રાજકોટ હાઇવે પર આવેલ રિસોર્ટમાં મોટા જુગરધામ ચાલતું હોવાની માહિતી આધારે પોલીસે ત્યાં દરોડો પાડી નવ જેટલા જુગારીઓ ને ઝડપી લીધા હતા. પોલીસે જ્યાં દરોડો પાડ્યો હતો તે ભાજપના એક અગ્રણી ની રિસોર્ટ હોઈ જુગાર નું સ્થળ બદલવા માટે છેક ઉપર સુધી ધમ પછાડા કરવામાં આવ્યા હતા. પરંતુ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઇ એક ના બે ન થયા અને પોતે જે જગ્યા એ રેડ કરી તેજ સ્થળ પર જુગારધામ દેખાડ્યું હતું.

મોરબી-રાજકોટ હાઇવે પર આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી આધારે ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ ગોહિલ અને તેમની ટિમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આરોપીઓ કમ્ફર્ટ રિસોર્ટમાં રૂમ રાખીને રૂમમાં જુગાર રમતા હતા. રિસોર્ટના કમ્પાઉન્ડમાં રહેલ બે ફોર્ચુનર કારની તલાશી લેતા કારમાંથી રોકડ 12 લાખ જેટલી રકમ મળી આવી હતી. કારમાં બેઠેલ વ્યક્તિની કડકાઈ થી પૂછપરછ કરતા તેણે કાબુલી લીધું હતું કે જે જુગાર અંદર રમાઈ રહ્યો છે આ તેના જ પૈસા છે એટલે પોલીસે યુક્તિ કરી રૂમમાં રેડ કરી અને જુગાર રમતા 9 જેટલા શખ્સો પકડાય ગયા. આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિલભાઈ રાજીભાઈ પટેલ, ભાસરભાઈ પ્રભુ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર, નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયા, ને ઝડપી પાડ્યા છે જયારે રજનીકાન્ત ભરતભાઈ દેત્રોજા ની શોધખોળ શરૂ કરી છે. જુગાર રમતા પહેલા તેઓ બહાર રહેલી કારમાં પૈસા જમા કરાવતા અને ત્યાંથી ટોકન લઈને રૂમમાં ટોકન દ્વારા જુગાર રમતા હતા. ટંકારા પોલીસે 12 લાખ રોકડ બે ફોર્ચુનર કાર સહિત 63.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલ માહિતી જો સાચી માનીએ તો, ટંકારા પોલીસે જે રિસોર્ટમાં રેડ કરી મોટું જુગારધામ પકડી પાડ્યું તે રિસોર્ટ ભાજપના આગેવાન રુચિર કારીયા નું હોવાનું સામે આવ્યું છે ત્યારે આ રિસોર્ટ ભાજપ આગેવાન નું હોવાથી ટંકારા પોલીસ પર દબાણ વધ્યું હતું. કોઈ પણ શરતે રેડ નું સ્થળ ફેરવવા મથામણ શરૂ થઈ હતી. ટંકારા પોલીસ ને રેડનું સ્થળ બદલવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ ગોહિલ ટસના મસ ન થયા અને તેમણે જે જગ્યા એ રેડ કરી હતી તેજ બતાવી. ભાજપ આગેવાન કમ્ફર્ટ રિસોર્ટનું સંચાલન કરતા હતા પરંતુ તેઓ આ રિસોર્ટમાં ચોપડે ભાગીદાર છે કે કેમ એ ખબર નથી પરંતુ આ જુગારધામ ભાજપના આગેવાન ની દેખરેખ માં જ રમાતો હશે કે કેમ એ હાલ ચર્ચાનો વિષય છે.









આ સફળ કામગીરી ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરીસિંહ, સાહીદભાઈ સિદ્દીકી, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ ધનશ્યામસિંહ, કૃષ્ણસિંહ પૃથ્વીરાજસિંહ, બીપીનકુમાર અમરસીભાઈ તથા સોયેબભાઈ ગુલામભાઈ સહિતના સ્ટાફે કરી હતી.










