મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા વિશેક દિવસ પહેલા કારખાનામાં પોતાનુ મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા. ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર માણસો આવી ફરીયાદીને ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી ફરીયાદી પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.10,000 તથા રોકડા રૂપીયા 2500 મળી કુલ રૂપીયા 12,500 ના મુદામાલની લુંટ કરી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
એલસીબીએ તપાસ ચલાવી અસગર રમજાનભાઈ માયાભાઈ મોવર રહે.કાજરડા તા.માળીયા(મિ), સમીર સુભાનભાઇ હુશેનભાઈ મોવર રહે.માળીયા (મિ), હનીફભાઈ અબ્બાસભાઈ કરીમભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા (મિ)ને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. જ્યારે અવેશભાઈ સુભાનભાઈ મોવર રહે.માળીયાનું નામ ખુલતા તેમની શોધખોળ હાથ ધરાઈ છે.
આ ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે મો.સા. સાથે નિકળી મોરબીના અલગ-અલગ જી.આઈ.ડી.સી. વિસ્તારના એકલ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાક ધમકીઓ આપી મોબાઈલ ફોન તથા રોકડ રકમ પડાવી લુંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઈ મજુર તેઓનુ પ્રતિકાર કરે તો તેઓ ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ પણ આપી શકે છે. આ કામગીરીમાં પીઆઈ એમ.પી.પંડયા પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI એસ.આઈ.પટેલ, કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડ રોકાયેલ હતી.










