મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાને મકાન ખરીદવા માટે 3 ટકા વ્યાજે નાણાં લીધા બાદ વ્યાજ અને મુદલ પરત આપી દેવા છતાં બે શખ્સોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર શ્યામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ મનુભાઈ માંડવીયા વાળંદકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય મકાન ખરીદવા માટે આરોપી હર્ષદ અમરશીભાઈ લિખિયા રહે.ઉમા ટાઉનશીપ મોરબી વાળા પાસેથી રૂપિયા 3 લાખ 3 ટકા વ્યાજે લઈ મુદલ અને વ્યાજ સહિત 3.45 ચૂકવી આપ્યા હતા. જો કે આમ છતાં આરોપીએ પૈસાની ઉઘરાણી ચાલુ રાખી હતી જેમાં મહેન્દ્રનગર ચોકડી પાસે હરભોલે પાનની દુકાન ધરાવતા આરોપી લાલભાઈએ વ્યાજની ઉઘરાણી કરી માર મારવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં નાણાં ધીરધારની કલમ અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.










