મોરબીમાં જરૂરીયાતમંદ લોકોની જઠરાગ્નિ ઠારવા માટે વર્ષોથી સેવાની ધૂણી ધખાવનાર એવા બચુબાપાના અન્નક્ષેત્રમાં અસામાજિક તત્વોએ રંઝાડ કરી હતી. આજે સવારે અમુક તત્વોએ અહીં રાશન વેર વિખેર કરીને ધમકીઓ આપી હતી. લુખ્ખતત્વોની આવી હેરાનગતિથી બચુબાપા ઉકળી ઉઠ્યા હતા અને પોલીસ સમક્ષ લુખ્ખાતત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
મોરબીના સ્ટેશન રોડ ઉપર અન્નક્ષેત્ર ચલાવતા બચુબાપાએ અસામાજિક તત્વોની હેરાનગતિ અંગે જણાવ્યું કે, તેઓ સવારે બહાર ગયા હતા. ત્યારે અહીં અન્ન ક્ષેત્રની જગ્યાએ કામ કરતી એક મહિલા હાજર હોય તે સમયે લુખ્ખાઓએ આવીને મને બધા જ પૈસા આપી દે તેવી દમદાતી મારી હતી. બચુ બાપાને મારી નાખવાના છે. બાપાનું જે હોય તે ઝૂંટવી લેજે અને અમને આપી દેજે. કોઈને કહીશ તો તને મારી નાખીશુ. તેવી લુખ્ખી ધમકી આપી હતી.
બચુભાઈએ વધુમાં કહ્યું હતું કે, મારા બે ભાણેજ તેમના અન્નક્ષેત્રમાં સેવા કરવા આવે છે તેને પણ આ લુખ્ખાઓ છરી બતાવીને ધમકી આપી હતી.આથી આ અંગે જાણ કરવા તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા.પોલીસે તેનો નંબર આપ્યો અને કહ્યું કે આ લોકો હવે દેખાય તો ફોન કરજો. આવા અસામાજિક તત્વો આવી રીતે આખું મોરબી બાનમાં લઈ લેશે. અગાઉ પણ આ લોકોએ થોડા થોડા કરીને મારી પાસેથી રૂ. 50થી 60 હજાર પડાવી લીધા છે. અહીં સામે ચા વાળો છે તેને મારી પાસેથી પૈસા લેવાનું કામ સોંપ્યું છે.
વધુમાં બચુબાપાએ જણાવ્યું કે જો આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક પગલા લેવામાં નહિ આવે તો હું પાડા પુલ ઉપરથી કૂદકો મારીને આત્મહત્યા કરી લઈશ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્ટેશન રોડ ઉપર જ્યારે બચુબાપાના અન્નક્ષેત્રને રોડ ઉપર હટાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા બચુબાપાની વ્હારે આવ્યા હતા. ત્યારે અન્નક્ષેત્રની જગ્યામાં અસામાજિક તત્વોની રંઝાડ થઈ રહી હોય, ધારાસભ્ય આ બાબતે અંગત રસ લઈને લૂખા તત્વો સામે આક્રમક કાર્યવાહી કરાવે તે અત્યંત જરૂરી છે.










