ટંકારા : ચોરીના ગુંન્હામાં જૂનાગઢ જેલમાં રહેલા કેદીને મોરબી જેલમાં મોકલી આપવા થયેલા હુકમ બાદ જેલ બદલા માટે મોરબી આવી રહેલ જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ટોયલેટ જવાના બહાને નાસી જતા પોલીસે નાકાબંધી કરાવવા છતાં કેદી હાથ લાગ્યો ન હતો. હાલ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુન્હામાં જૂનાગઢ જેલમાં રહેલા આરોપી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઇ વાઘેલા રહે.જૂનાગઢ વાળાને અદાલતે જેલ બદલો કરવા હુકમ કરી મોરબી જેલમાં મોકલી આપવા હુકમ કરતા જૂનાગઢ ભવનાથ પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફ સરકારી બોલેરોમાં આરોપી હરસુખ ઉર્ફે ચુવીને લઈ મોરબી આવવા નીકળ્યા હતા. દરમિયાન ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે ગઈકાલે સવારે 10.30 વાગ્યાના સરકારી બોલેરો ગાડી ગરમ થઈ જતા હોટલના પાર્કિંગમાં ગાડી ઉભી રાખતા આરોપી હરસુખે ટોયલેટ જવા કહેતા હાથમાં હાથકડી સાથે આરોપીને ટોયલેટ લઈ જવાયો હતો. બાદમાં આરોપી હરસુખ ઉર્ફે ચુવી ટોયલેટમાંથી બહાર નીકળી દીવાલ ટપી નાસી જતા જૂનાગઢ પોલીસ ખેતરમાં પાછળ પાછળ દોડી હતી પરંતુ આરોપી હાથ ન લાગતા અંતે નાકાબંધી કરાવી ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.










