Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરમાં પાંચમા માળે આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ : રહીશોએ પાણીનો મારો ચલાવતા...

વાંકાનેરમાં પાંચમા માળે આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ : રહીશોએ પાણીનો મારો ચલાવતા જાનહાની સહેજમાં ટળી

શહેરમાં આગ લાગે તો તેને બુઝાવવા માટે પાલિકા પાસે એક પણ ફાયર બ્રિગેડ નથી

વાંકાનેર : શહેરમાં દિવાનપરા વિસ્તારમાં મુખ્ય રોડ પર આવેલ વ્રજ રેસીડેન્સીમાં સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ કોઈ કારણસર આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી બધાએ હાશકારો અનુભવ્યો હતો.

શહેરના દિવાનપરા મેઈન રોડ પર લોહાણા સમાજની વાડી પાસે આવેલ બિલ્ડિંગમાં વહેલી સવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી તે સમયે બિલ્ડિંગના તમામ ફ્લેટ ધારકો શાંતિથી સૂતા હતા. આગની ઘટના બનતા આસપાસના તથા રસ્તે નિકળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ફ્લેટમાં જઈ તમામ રહીશોને ઉઠાડી આગની ઘટના બની હોવાનું જણાવી બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. આગની ઘટના દરમ્યાન એક ભયંકર વિસ્ફોટ થયો હતો જે શહેરમાં દૂર સુધી સંભળાયો હતો. જેના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો કરાયો હતો. જો કે આગની ઘટના અંગે પાલિકાના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ ખાટલે મોટી ખોટ કે પાલિકા પાસે આગને કાબૂમાં લેવા માટે કે ઓલવવા માટે ફાયર બ્રિગેડ જ નથી છતાં પાલિકાની કામગીરી દેખાડવા મોટર સાયકલ પર બે બોટલ લઈ આવી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. કરોડો રૂપિયાની ગ્રાન્ટ વણવપરાયેલી પરત ગઈ કરોડો રૂપિયા વેરા પેટે ઉઘરાવતી પાલિકા પાસે શરમજનક કહી શકાય તેવી એક પણ આગને કાબૂમાં લેવા માટે સાધનો ઉપલબ્ધ નથી તેવા સ્થાનિકોએ આક્ષેપો કર્યા છે.

આગને કાબૂમાં લેવા માટે બિલ્ડીંગના રહીશોએ હિંમત દાખવી પાંચમા માળે લાગેલી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો અને સદનસીબે આગ કાબૂમાં આવી હતી તેથી જાનહાનિ ટળી હતી. શહેરમાં કોઈ પણ સ્થળે આગજનીના બનાવો બને તો અપના હાથ જગન્નાથ સમજી આગ ઓલવવા લાગી જવામાં જ ડહાપણ ગણશે. હજુ થોડા દિવસો પહેલા જ નગરપાલિકા ના ફાયર સ્ટેશન સામે જ ત્રીસ મીટરના અંતરે લાગેલી આગમાં આખી દુકાન ભસ્મીભૂત થઈ ગઈ હતી બાદમાં મોરબીથી ફાયર બ્રિગેડ આવી હતી અને રહીસહી આગને ઓલવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વ્રજ રેસીડેન્સી નામની બિલ્ડિંગમાં ચોથા માળે જલ્પાબેન ચેતનભાઈ માંડવિયાના ફ્લેટમાં વહેલી સવારે અચાનક જ આગ લાગતા રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ બધા જ જાણતા હતા કે પાલિકા પાસે મદદ માંગવાથી ખોટો સમય બગડશે તેના કરતા હાથોહાથ પાણીનો મારો કરી આગ ઓલવવા લાગી ગયા હતા સદનસીબે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને ખાનાખરાબી થાય તે પહેલાં જ રહીશોએ હિંમત પૂર્વક સામનો કરી પાણીનો મારો ચલાવ્યો હતો અને મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી. આગ લાગતા જ બિલ્ડિંગના તમામ રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે આગમાં આખો ફ્લેટ અંદરથી ભસ્મીભૂત થઈ ગયો હતો હવે જો સમયસૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવ્યો ન હોય તો આગ આખા બિલ્ડિંગમાં જવાની શક્યતા નકારી શકાય નહીં. રહીશોએ જીવ બચી જવા માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. એટલે વાંકાનેરમાં રહેતા લોકો માટે એક જરૂરી સૂચન છે કે આગની ઘટના બને તો પાલિકાને ફોન કરવામાં સમય વ્યય કરવો નહીં હાથે જ પાણીનો મારો ચલાવવો તેમાં જ તમારું હિત થશે. શહેરમાં આગની ઘટનાઓ સામે સુરક્ષા બાબતે પ્રજાજનોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments