ટ્રક પકડવા 40 જવાનોની રાતભર તપાસ ચલાવ્યા બાદ ટ્રક ગાળા નજીક રેઢો મળી આવતા ટ્રક ચાલક સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરાઈ
મોરબી : મોરબીના જાંબુડિયા ગામ નજીક ડ્યુટી પુરી કરી સ્કૂટર પર પરત ફરતા PSIને હડફેટે લઈને મોત નિપજાવી ટ્રકચાલક ટ્રક લઈને ફરાર થઇ ગયો હતો. ગતરાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે ટ્રક ચાલકને ઝડપી લેવા રાતભર તપાસ ચલાવ્યા બાદ અંતે મોરબીના ગાળા ગામ નજીક અકસ્માત સર્જનાર ટ્રક રેઢો મળી આવતા પોલીસે ટ્રકને કબજે કરી ફરાર રહેલા ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મોરબી પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ બી.આર.જાડેજા ગત રાત્રે હેડક્વાર્ટર ખાતેથી ડ્યુટી પુરી કરીને ફરજ સ્કૂટર પર પરત મોરબી ફરી રહ્યા હતા. ત્યારે મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલા બ્રિજ પર પુરપાટ ઝડપે ઘસી આવેલા અજાણ્યા ટ્રક ચાલકે જોખમી બેદરકારીથી ટ્રક ચલાવી પાછળથી ઠોકરે ચડાવતા પીએસઆઇ દીવાલ સાથે અથડાઇ ટ્રક નીચે આવી જતા આ જીવલેણ અકસ્માતમાં પીએસઆઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જી પીએસઆઇનો ભોગ લઈને માનવતા નેવે મૂકી ટ્રક ચાલક ટ્રક લઈને પલાયન થઈ ગયો હતો. પીએસઆઇનું માર્ગ અકસ્માતમાં મોતથી સમગ્ર મોરબી જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક વ્યાપી ગયો હતો. આ બનાવ બાદ રાત્રે પોલીસના 40 જેટલા જવાનોએ ટ્રક ચાલકને શોધવા તપાસ હાથ ધરી હતી. બાદમાં મોડી રાત્રે નેશનલ હાઇવે પર ગાળા નજીકથી ટ્રક રેઢો મળી આવ્યો હતો. આ ટ્રક કબ્જે કરવામાં આવ્યો છે. જો કે ટ્રક ચાલક હજુ મળી આવ્યો ન હોય, ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.












