મોરબી : મોરબીમાં આરટીઓ પુલ પાસે આજે સાંજના સમયે એક મહિલાએ આપઘાત કરવા માટે મચ્છુ નદીમાં છલાંગ લગાવી હતી. જો કે આ વેળાએ ત્યાં એક યુવકે આવીને પોતે પણ નદીમાં કૂદકો લગાવી મહિલાનો જીવ બચાવ્યો હતો.
આજે સાંજે 5:30 વાગ્યાના અરસામાં આરટીઓ પુલ પાસે વીસીપરામાં રહેતા એક મહિલા મચ્છુ નદીના પુલ પાસે ઉભા હતા. તેઓ કોઈ કારણોસર આપઘાત કરવા માટે છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યા હતા. આ વેળાએ ત્યાંથી જયદીપભાઈ દિનેશભાઇ જીંજુવાડિયા નામનો યુવક પસાર થઈ રહ્યો હતો.
આ યુવકને ત્યાંના દ્રશ્યો જોઈએ સમગ્ર હકીકતનો ખ્યાલ આવી જતા તુરંત મહિલાને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મહિલાએ તુરંત જ નદીમાં છલાંગ લગાવી દીધી હતી. આ વેળાએ જયદીપભાઈએ એક પણ ક્ષણ વિચાર કર્યા વગર મહિલાનો જીવ બચાવવા તેની પાછળ જ નદીમાં કૂદકો લગાવી દીધો હતો. બાદમાં ત્યાં ઉભેલા લોકોએ દોરડું ફેંકી બન્નેને ઉપર ખેંચ્યા હતા.
બાદમાં 108 મારફત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા સિવિલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જયદીપભાઈ અમરેલીના રહેવાસી છે. તેઓ કામ સબબ ત્યાંથી નીકળ્યા હતા. પોતાના જીવની પરવાહ કર્યા વગર તેઓએ મહિલાનો જીવ બચાવ્યો છે.











