બ્લેક ફિલ્મવાળા 38, ફેન્સી નંબર પ્લેટવાળા 51, ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલા 9 વાહનો સામે કાર્યવાહી : 35 વાહનો ડિટેઇન કરાયા
મોરબી : મોરબીમાં લાંબા સમય બાદ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ચાલી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા 135થી વધુ વાહનો સામે કાર્યવાહી કરી હતી.
મોરબીમાં કોમ્બિંગ અને ટ્રાફિકની ખાસ ઝુંબેશમાં સિટી એ ડિવિઝન, બી ડિવિઝન ટ્રાફિક ડ્રાઇવ, ટ્રાફિક પોલીસ, એસઓજી, એલસીબી સહિતની શાખાઓના 7 પીઆઇ, 12 પીએસઆઈ, 136 પોલીસ કર્મી, 26 મહિલા પોલીસની ટિમો જોડાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન અલગ અલગ સ્થળોએ પોલીસે 38 કાળા કાચવાળા વાહનો, 51 ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી કરી હતી. 35 વાહનો ડિટેઇન કર્યા હતા. 2 સીટ બેલ્ટ ન પહેર્યા હોય તેવા વાહનો સામે કાર્યવાહી કરી હતી. ટ્રાફિકનેઅડચણરૂપ પાર્કિંગ કરેલા વાહનોના 9 કેસ કર્યા હતા. આ ઉપરાંત ટ્રાફિક નિયમોના ભંગ બદલ રૂ.1.30 લાખનો દંડ ફટકાર્યો હતો. નોંધનીય છે કે,શહેરમાં વાહનોની સંખ્યા વધારે હોવાના કારણે બીજા લોકોની ભૂલના કારણે ટ્રાફિક સર્જાય છે. ત્યારે વાહનચાલકો નો એન્ટ્રી, વન વે સહિતના નિયમોનું પણ પાલન કરે તેવી જિલ્લા પોલીસ વડાએ અપીલ પણ કરી હતી.













