1,10,000 ની કિંમતના દારૂ સહિત 6,10,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો: કાર ચાલક ફરાર
વાંકાનેર: મોરબી જિલ્લામાં પ્રોહિબિશનની બદીઓ નાબૂદ કરવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત વાંકાનેર સિટી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રીથી મોરબી તરફ જતી એક સફેદ કલરની સ્વિફ્ટ ગાડીનો પીછો કરીને તેને વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટમાંથી ઝડપી પાડવામાં આવી હતી. જેમાંથી 550 લિટર દેશીદારૂના જથ્થા મળી આવ્યો છે.
પોલીસે ગાડીમાંથી 550 લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 1,10,000/- અને 5,00,000/- રૂપિયાની સ્વિફ્ટ ગાડી મળીને કુલ 6,10,000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, ગાડીનો ચાલક પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.
આ અંગે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં પો.ઈન્સ એચ.એ. જાડેજા સહિત હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, તેમજ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ અને હિતેન્દ્રસિંહ ઝાલા જોડાયા હતા.











