Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરે તે પહેલાં કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરતી પોલીસ

ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરે તે પહેલાં કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરતી પોલીસ

કાયદા અને વ્યવસ્થાની કથળતી હાલત મામલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાને રજુઆત કરવા ન જવા દેવાયા

મોરબી : મોરબીમાં આજે એસપી કચેરીએ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની કથળતી હાલત વિશે રજુઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓને પોલીસે અટકાવીને અટકાયતમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરીને જીપમાં બેસાડતા કોંગ્રેસ અગ્રણીઓએ જતા જતા સરકાર અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા.

જો કે પોલીસે તેમની અટકાયત કરી લેતા રજુઆત કરી શક્યા ન હતા. કોંગ્રેસ અગ્રણીઓ શુ રજુઆત કરવા આવ્યા હતા ?

(૧) મોરબી જીલ્લામાં અગાઉ જે અધિકારી સામે ગંભીર આક્ષેપો થયા હોય તેવા અધિકારીઓને મહત્વની શાખા અને પોલીસ સ્ટેશનની જવાબદારી સોપાઈ છે અને જે અધિકારી નિર્વિવાદીત કામ કરે છે. તેમજ બાહોસ અધિકારી છે. તેઓને સાઈડલાઈન કેમ કરવામાં આવે છે?

(૨) છેલ્લા એકથી દોઢ વર્ષમાં એસ.એમ.સી.ની ટીમ દ્વારા ૧૦ થી વધુ રેડ કરવામાં આવેલ છે. જેમાં ગોડાઉન રેડ, પેટકોક, ચોરી, વિદેશી દારૂ મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. જેમાં મોરબી જીલ્લા પોલીસની નિષ્ફળતા માટે માત્ર નાના અધિકારીઓને જ દંડવામાં આવે છે. પરંતુ જીલ્લાના મુખ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર એસ.પી. કે આઈ.જી. કયા કારણોસર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.

(૩) મોરબી પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોથી માંડીને હાઈવે સુધીના રોડ ઉપર કોઈ ગંભીર ઘટના બન્યા બાદ જ પોલીસ ભારે વાહનો માટે ટ્રાફીક ડ્રાઈવ યોજે છે. જે માત્ર આંકડાકીય માયાજાળ સમાન હોય, નકક્કર દૈનિક કામગીરી થવી જોઈએ તે થતી નથી.

(૪) મોરબી જીલ્લામાં વ્યાજખોરોના આતંકનો તો જાણે રાફડો ફાટયો છે. લોકોને લાલચ આપી અને પોતાના ચક્રવ્યુહમાં ફસાવી ઉચા વ્યાજે પૈસા આપવા, ત્યારબાદ કડક ઉઘરાણીઓ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી પૈસા પડાવવા, જમીનો લખાવી લેવી જેવી અનેક ઘટનાઓ સામે આવેલ છે. અમુક લોકોએ આવી કડક ઉઘરાણી અને વ્યાજખોરોની દહેસતના કારણે આત્મહત્યાઓ પણ કરેલ છે. આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

(૫) ટંકારા પાસે ધોળા દિવસે આંગળીયા લુંટ, શનાળા પાસે મોડી સાંજે વેપારીને લુંટવા, ઔદ્યોગીક વિસ્તારોમાં અવારનવાર લુંટના બનાવો બને છે. જે પોલીસના અસ્તિત્વ માટે સૌથી મોટો સવાલ છે.

(૬) મોરબી જીલ્લામાં ટ્રાફીક ડ્રાઈવમાં પણ ટુ-વ્હીલર તથા કાર ચાલકો જે ટેક્સ ભરે છે તે જ દંડાય છે. હાઈવે ઉપર જોખમી રીતે નંબર પ્લેટ વગર દોડતા ભારે ઓવરલોડ વાહનો કેમ દેખાતા નથી..?

(૭) મોરબી જીલ્લામાં બોલાવવામાં આવતા લોક દરબારમાં દરેક રાજકીય પક્ષના આગેવાનોને બોલાવવામાં આવતા નથી. માત્ર કહયાગરા આગેવાનોને પોલીસ બોલાવીને લોક દરબારના નાટકો કરે છે અને માત્ર ફોટોસેશન કરવામાં આવે છે. જેથી અગાઉની જેમ પુનઃ લોક દરબાર જાહેરમાં યોજીને દરેક રાજકીય આગેવાનોને બોલાવવામાં આવે તેવી અમારી માંગ છે.

(૮) એકબાજુ મોરબી જીલ્લા પોલીસ લોકોને બાતમી આપવાની અપીલ કરે છે અને જો લોકો બાતમી આપે તો પોલીસ પગલા લેવાના બદલે સામે વાળા જાણે તેના મળતીયા હોય તે રીતે તેમને માહિતી લીક કરે છે. જેથી આવા અધિકારી-કર્મચારી સામે પગલા લેવા અમારી માંગ છે.

(૯) મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ઘણા ફરીયાદીઓને અસંતોષ હોય છે. જેના કારણે જીલ્લાના એસ.પી. સામે ગંભીર આક્ષેપો થાય છે અને ચકચારી કૌભાંડના ગુનાની તપાસ જીલ્લા બહારના અધિકારીઓ એટલે કે સી.આઈ.ડી. ને સોપવી પડે છે. તો સ્થાનિક પોલીસ ઉપર લોકોને ભરોસો વધે તેવા અધિકારીઓ મોરબી જીલ્લામાં મુકવા જોઈએ.

(૧૦) મોરબી જીલ્લામાં જે હત્યા, લુંટ, છેડતી, મારામારી જેવા અનેક બનાવો બને છે. જેમાં મુખ્ય ભૂમિકા નશાકારક પદાર્થોની છે. આ નશાકારક પદાર્થોનું વેચાણ અસામાજીક તત્વો દ્વારા રાજકીય અને પોલીસ તંત્રની ઓથ હેઠળ કરવામાં આવે છે. અગાઉ આપ સાહેબશ્રી દ્વારા ગુજરાતમાં ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વો, બુટલેગરો, લુખ્ખાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવેલ હતા. ત્યારે મોરબી પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં ૧૦૦ થી વધુ દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવેલ હતી. તો શું મોરબી પોલીસને આ બધા અડ્ડાઓની જાણકારી હતી કે શું..? શું મોરબી પોલીસને બુટલેગરો સાથે મિલીભગત છે…? તેમજ હાલમાં આવા દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે જેની મોરબી પોલીસને ખબર જ નથી..? આ બધુ મોરબી પોલીસનું તંત્ર જાણતું હોવા છતાં “આંખ આડા કાન” કેમ કરવામાં આવે છે..?

આવા અનેક પ્રશ્નો સાથેના આવેદન સાથે મોરબી કોગ્રેસના આગેવાનો ગૃહ મંત્રીને રજૂઆત માટે આવ્યા હતા પરંતુ તેઓ રજૂઆત કરે તે પેહલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments