મોરબી: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે, મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. આ તિરંગા યાત્રા મોરબીના જેલ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થઈ હતી. ત્યાંથી શાકમાર્કેટ ચોક, મહાપાલિકા કચેરી, શનાળા રોડ થઈને સરદાર બાગ પાસેથી પસાર થઈ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થઈ હતી.
આ યાત્રામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ જયેશ પ્રજાપતિ, કમિશનર સ્વપ્નિલ ખરે, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને સરકારી સ્ટાફ જોડાયા હતા. આ ઉપરાંત, વિવિધ શાળાઓના બાળકો પણ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં સામેલ થયા હતા.
ખાસ આકર્ષણરૂપે, મોરબી જિલ્લા પોલીસ ૩૦૦ ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રામાં જોડાઈ હતી. જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. આ તિરંગા યાત્રા દેશભક્તિના ગીતો અને બેન્ડની સુરાવલીઓ સાથે સંપન્ન થઈ હતી, જેણે ઉપસ્થિત સૌમાં દેશભક્તિની ભાવના જગાવી હતી.












