ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ ખોડિયાર આશ્રમમાં પંદર દિવસ પહેલા મોડીરાત્રે ત્રાટકેલા લૂંટારુઓએ છરીની અણીએ રૂ.87 હજારની લૂંટ ચલાવી ફરાર થઇ જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ ખોડીયાર આશ્રમમાં રહેતા અને સેવાપૂજા કરતા મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી ઉ.59એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.30 જુલાઈની મોડીરાત્રે દોઢથી બે વાગ્યાના અરસામાં ચાર અજાણ્યા શખ્સોએ આશ્રમમાં ધસી આવ્યા હતા અને છરી બતાવી ડરાવી ધમકાવી લાફા મારી નીચે પછાડી દઈ કાનમાં પહેરેલ પોણા તોલા સોનાની કડી, ચાંદીથી મઢેલું ગેંડાનું કડું, ખેતીના ખર્ચા માટે રાખેલા રૂ.35 હજાર, દાનપેટીમાં રહેલા 5 હજાર તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી 87 હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા. વધુમાં આવી જ ઘટના મોલડી ગામના અંબાજી મંદિરના મહંત સાથે બની હોય તેમને ફરિયાદ નોંધાવતા ખોડિયાર આશ્રમના મહંત દ્વારા પણ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.









