મોરબી : મોરબીના આંદરણા ગામે MPHW તરીકે ફરજ બજાવતા નરેશભાઈ એમ.પરમારએ પોતાના 30 માં જન્મદિવસની સમાજ સેવા રૂપે પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. જેમાં શરૂઆત જ પોતાના ફરજ પરના આંદરણા ગામની જરૂરીયાતમંદ ૨ હાઈરિસ્ક સગર્ભા મહિલાઓને “સ્વસ્થ મા – સ્વસ્થ બાળક” અંતર્ગત લીલા શાકભાજી સાથેની પોષણ કીટ વિતરણ કરી તેઓને તંદુરસ્તી માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
સાથે – સાથે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન અંતર્ગત ટીબીના ૩ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે રાશન કીટ આપી જેથી ટીબીના દર્દી દવાની સાથે સાથે પ્રોટીન યુક્ત ખોરાક લઈ જલદીથી સાજા થઈ શકે. આટલું જ નહીં બાલવાટીકા મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ, રેન બસેરા મોરબી ખાતે નાના ભૂલકાઓના હાથે કેક કપાવી તથા તેઓના સર્વાંગી વિકાસ માટે બ્લોક્સ, ચેસ, ફુલ રેકેટ , કિચન સેટ તથા શૂટ બોલ જેવા રમકડા પણ આપી બાળકોના ચહેરા પર અનોખું સ્મિત લાવ્યું હતું.
આ રીતે માત્ર જન્મદિવસની ઉજવણી પોતાના સુધી સીમિત ન રાખીને સમાજ સેવા, કરુણા અને માનવતાની ભાવના સાથે ઉજવવાનો પ્રયાસ કરી આજની યુવા પેઢીને પણ એક સંદેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે નરેશ પરમારે જણાવ્યું કે, જીવનનો સાચો આનંદ લોકોની સેવા અને સહાયતા કરવાથી જ છે. જીવનની સૌથી મોટી ભેટ એ છે કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું.આજના આ દિવસે આ કાર્ય કરવાનો અવસર મળ્યો એ બદલ મારી જાતને ધન્ય માનું છું.














