મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે શાકભાજીના ધંધાર્થીને થળો પાથરવા બાબતે ગામના જ ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી જ્યારે સામાપક્ષે પણ સાઈડમાં જવાનું કહેતા ત્રણ આરોપીઓ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસ સામસામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના વાવડી રોડ ઉપર મારુતિ પાર્કમાં રહેતા અને રફાળેશ્વર ગામે છેલ્લા 25 વર્ષથી શાકભાજીનો ધંધો કરતા ફરિયાદી મુકેશભાઈ પ્રભુભાઈ ખાંભળીયાએ આરોપી લીલાભાઈ ખેંગારભાઈ ગમારા, મગનબાપા શાકભાજી વાળા, બાબુભાઇ હીરાભાઈ ગમારા અને રાજુભાઇ હીરાભાઈ ગમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ સવારે આરોપી લીલાભાઈ ગમારા તેમના શાકભાજીના થળે આવ્યા હતા અને તમે પિતા પુત્રો કેમ રોડ ઉપર થળો પાથરી જગ્યા રોકો છો તેમ કહી આખો રોડ રોકી લો તે કહેતા ફરિયાદીએ કહ્યું હતું કે, છોકરા કમાવા લાગશે તો રોડ રોકશું તેમ કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું. બાદમાં ચારેય આરોપીઓએ એક સંપ કરી તલવાર વડે હુમલો કરી ફરિયાદીના દીકરા વિકાસ અને વિશાલને ઇજાઓ પહોંચાડી મૂંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
સામાપક્ષે રફાળેશ્વર ગામે રહેતા લીલાભાઈ ખેંગારભાઈ ગમારાએ આરોપી મુકેશભાઈ પ્રભુભાઈ ખંભાળીયા, વિકાસ પ્રભુભાઈ ખંભાળીયા અને વિશાલભાઈ મુકેશભાઈ ખંભાળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ મુકેશભાઈને સાઈડમાં જવાનું કહેતા સારું નહીં લાગતા ત્રણેય આરોપીઓએ સાથે મળી ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરી સાહેદ રાજુભાઈને છરી વડે ઇજા કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.










