ક્ષમાપના – જીવનને પવિત્ર બનાવતો મહામંત્ર, સંવત્સરી મહાપર્વના પાવન અવસરે : “મિચ્છામિ દુક્કડમ”
મોરબી : “ખામેમિ સવ્વ જીવે” અને “સવ્વે જીવા ખમંતુ મે” – આ માત્ર વાક્યો નથી, પરંતુ જીવનમાં ચરિતાર્થ થવાના આદર્શ છે. સંવત્સરી મહાપર્વ પર ક્ષમા માંગવી અને ક્ષમા આપવી એ જ સૌથી મહાન સાધના છે. જૈન ધર્મની મને સૌથી વધુ સ્પર્શી ગયેલી આ બાબત છે- “ક્ષમાપના”.. માફી માંગવી, માફ કરવું. કેટલું સહેલું છે! અને ન ફાવતું હોય તો કદાચ સૌથી અઘરું પણ. દિલને સાફ કરવાનો અને સાફ રાખવાનો સૌથી સરસ રસ્તો છે કદાચ. આખા જીવનમાં એવું બનતું જ હોય છે, કે જાણ્યે-અજાણ્યે આપણે કોઈને તકલીફ પહોંચાડી હોય અને આપણને પણ કોઇથી એના જાણતાં-અજાણતાં તકલીફ પહોંચી હોય. બસ દર થોડા થોડા સમયે આ બધી જફાઓથી, એ તકલીફોના ભારથી પોતાની જાતને મુક્ત કરવી – એનું નામ “ક્ષમાપના“…માંગવા માટે માફી માંગવી એમ નહીં,પણ દિલથી અનુભવવું કે મારા કોઇ વિચાર, વાણી કે વ્યવહારને કારણે કોઇને દુઃખ તો નથી પહોંચ્યું ને? મિચ્છામિ દુક્કડમ્ ’ સમસ્ત માનવ સમાજ માટેનો શાંતિ મંત્ર છે, શાંતિ પામવા માટેનો મહામંત્ર છે આ મંત્ર માત્ર જૈનો માટે નથી, માણસમાત્ર માટે છે. શુદ્ધ હદયથી અને પૂરી સચ્ચાઈથી ફરી ક્યારેય સામેની વ્યક્તિને નહિ દુભવવાની પ્રતિજ્ઞા સાથે જયારે ક્ષમા માંગીએ અને સામેની વ્યક્તિએ પોતાનું ગમે તેટલું અહિત કર્યું હોય એને ભૂલી જઈને સાચા દિલથી એને ક્ષમા આપી એ એટલું જો ખરેખર આવડી જાય તો મન શાંત થઇ જાય, જીવન ધન્ય થઇ જાય અને વિશ્વ હિંસામુક્ત, પીડામુક્ત, યુદ્ધમુક્ત બની જાય.માનવીનું મન એવું છે કે વ્યક્તિની અપેક્ષા ન સંતોષાય ત્યારે તેને ક્રોધ જન્મે છે. ક્રોધ એવો અગ્નિ છે વ્યક્તિ છે જેને સારાસારનો વિવેક હોતો નથી. ક્રોધાગ્નિ અન્યને દઝાડે છે અને સ્વયંને વધુ દઝાડે છે. ક્રોધ હિંસાનો જનક છે. મહાવીર સ્વામીનું મુખ્ય સુત્ર જ અહિંસા છે. આ અહિંસા સ્થૂળ નથી સુક્ષ્મ છે, સચરાચરના સમસ્ત જીવો તરફ પ્રેમ અને કરુણાનો ભાવ તેમાં નિહિત છે. મારવું નહિ, ઘા કરવો નહિ, એટલા માત્રથી અહિંસા જન્મતી નથી “મનથી વચનથી કે કર્મથી કોઈપણ રીતે કોઈ પણ જીવને જાણ્યે કે અજાણ્યે દુભવવો નહિ અને જો સામેનો જીવ જાણ્યે કે અજાણ્યે કોઈ પણ રીતે તમને દુભવે તો તમારે તેને ક્ષમા આપવી”- એ ભગવાન મહાવીરની અહિંસા છે… મહાવીર જો એમના કાનમાં ખીલા ઠોકનારને માફ કરી શકતા હોય, એ માટે સ્થિતપ્રજ્ઞ રહી શકતા હોય, તો આપણે તો બહુ નાની નાની વાતો જતી કરવાની છે એ અર્થમાં ક્ષમાપના પર્વ સંવત્સરીને મૂલવીએ તો સમજાય છે કે માનવ સમાજને ભગવાન મહાવીર સ્વામીએ કેટલી મોટી ભેટ આપી છે. ક્ષમા માંગવાથી અને ક્ષમા આપવાથી માનવીનું મન શાંત થઇ જાય છે, વેર વૃત્તિનું શમન થતાં માનવી હળવો થઇ જાય છે. અને ‘સર્વમિત્ર’ બનીને વ્યવહાર જગતમાં કર્મરત રહેવા છતાં ભાવજગતમાં કર્મબંધનથી મુક્ત રહે છે. આવો, આજના સંવત્સરી પર્વ પર આપણે શત્રુતા શમાવીએ, ડર ભગાવીએ, હિંસા મીટાવીએ અને કહીએ .. માફી માંગવાની અને આપવાની બંને પ્રક્રિયા શબ્દો કરતાં સાચા હૃદયથી, આપણા પૂરા અસ્તિત્વથી થવી જોઈએ. માફી માંગીએ તો “જે કર્યું હતું” એના માટેનું દુઃખ સાચે જ મનમાં હોવું જોઈએ, અને માફી આપીએ છીએ તો “જે થયું હતું” એ આપણી સ્મૃતિમાંથી સાચે ભૂંસાઈ જવું જોઈએ. “મિચ્છામિ દુક્કડમ” તો જ સાર્થક છે.. મારાથી પણ જાણતાં અજાણતાં કોઈને દુઃખ પહોંચ્યું હોય, તો એ માટે દિલથી માફી માંગુ છુ..મિચ્છામિ દુક્કડમ… 🙏 – ડો.દેવેન રબારી (સંસ્થાપક,યંગ ઇન્ડિયા ગ્રુપ)











