મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જન્મદિવસની પરંપરાગત ઉજવણીને બદલે સમાજ ઉપયોગી કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખતા, મયંકના જન્મદિવસ નિમિત્તે ‘આપવાનો આનંદ’ કાર્યક્રમ હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ હેઠળ મોરબી શહેરના ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકો માટે વિશેષ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ભાવતા પીઝા અને દાબેલી જેવા ભોજન પીરસીને તેમને આનંદિત કરવામાં આવ્યા હતા. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં સામાજિક સમરસતાની ભાવના કેળવવાનો હતો.
આ ઉપરાંત, જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગાય માતાની સેવા કરીને તેમના આશીર્વાદ પણ મેળવવામાં આવ્યા હતા. આ પ્રકારની ઉજવણીથી માત્ર આનંદ જ નહીં, પરંતુ ઈશ્વર સ્વરૂપ બાળકોના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ત્યારે ગ્રુપે અન્ય લોકોને પણ પોતાના પ્રિયજનોના જન્મદિવસને આ અનોખી રીતે ઉજવીને ‘આપવાનો આનંદ’ મેળવવા જણાવ્યું હતું.












