મોરબીના મકનસરના પ્રેમજીનગરમા પિતાના ઠપકાથી માઠું લાગી આવતા તેમનો સગીર પુત્ર ઘેરથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હોવાથી લાપતા બન્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પહેલા સગીર પુત્ર ઘરેથી કોઈને કહ્યા વગર રફાળેશ્વરના મેળામાં ગયા બાદ પિતાએ ઘરેથી કોઈને કહ્યા વગર ન જવા સમજાવ્યો હતો પણ પુત્રને પિતાના આ વેણ કડવા લાગતા ફરીથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા સગાવ્હાલામાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આ બનાવમાં અંતે સગીર બાળકના અપહરણનો તાલુકા પોલીસ મથકે નોંધાયો છે.
મોરબી તાલુકાના મકનસરના પ્રેમજીનગર ગામે રહેતા અને સેનેટરીવર્સમા મજૂરી કરતા ગોપાલભાઈ છનાભાઈ રાઠોડ ઉ.વ.34એ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.22ના રોજ તેમનો સગીર પુત્ર ઘેરથી પૂછ્યા વગર રફાળેશ્વર મેળામાં ગયો હતો અને રાત્રે સાડા આઠેક વાગ્યે ઘેર પરત આવતા પૂછ્યા વગર મેળામાં કેમ ગયો તે અંગે ઠપકો આપતા ઘેરથી નીકળી ગયો હતો. સગીર પુત્ર ઘેરથી જતો રહ્યા બાદ તેના પિતા ગોપાલભાઈએ રફાળેશ્વર મેળામાં તેમજ તરણેતર મેળામાં ઉપરાંત સગાંવહાલાંને ત્યાં પણ તપાસ કરતા પુત્ર મળી ન આવતા અજાણ્યા ઈસમો તેમના પુત્રને ઉપાડી ગયા હોવાની શંકા વ્યક્ત કરી અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. નોંધનીય છે કે, ગોપાલભાઈના પત્ની છેલ્લા ત્રણ વર્ષથી ઉમિયાનગર ગામે પિતાને ત્યાં રિસામણે હોવાથી ફરિયાદીએ પોતાનો પુત્ર માતા પાસે ગયો હશે તેમ માની ત્યાં પણ તપાસ કરી હતી. જો કે, લાપતા સગીરની ભાળ ન મળતા હાલમાં પોલીસે ગોપાલભાઈની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરી સગીરને શોધવા માટે તપાસ શરૂ કરી છે










