મનપાની દરખાસ્તને પગલે સરકારે પીવાના પાણી માટે ક્લોરીન સ્ક્રબર સિસ્ટમ નાખવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી, આ પ્રોજેકટ અમલી બન્યા બાદ દરેક ઘર સુધી WHOના ધોરણો મુજબ જીવાણુમુક્ત ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી પહોંચશે
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા શહેરના રહેવાસીઓને શુદ્ધ અને સલામત પીવાનું પાણી પૂરું પાડવાના ઉદ્દેશથી એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫ માં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અપગ્રેડ થયેલા મોરબીમાં હવે પીવાના પાણી માટે ક્લોરીન સ્ક્રબર સિસ્ટમ નાખવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ મોરબીના દરેક ઘર સુધી ક્લોરીનયુક્ત શુદ્ધ પાણી પહોંચશે.
મોરબી મહાપાલિકા ફિલ્ટર હાઉસ ખાતે હાલમાં ક્લોરીનેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. પરંતુ સરકારની ગાઈડલાઈન અનુસાર દરેક ઘરે ફિલ્ટર કરેલું અને ક્લોરીનેશન થયેલું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ નવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આ ક્લોરીન સ્ક્રબર સિસ્ટમનો ડીપીઆર (DPR) તૈયાર કરીને સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી, જેને હવે મંજૂરી મળી છે.
આ સિસ્ટમનું સ્થાપન મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં થશે, જેમાં દરેક સ્થળે પાણીની ક્ષમતા અનુસાર મશીનો ગોઠવવામાં આવશે. જેમાં દાણાપીઠ (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), ગૌશાળા (ESA ક્ષમતા ૩-૨૦ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૧૨૫ લાખ લિટર), પંચાસર (ESA ક્ષમતા ૧-૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૫ લાખ લિટર), રણછોડનગર (ESA ક્ષમતા ૧-૧૫ લાખ લિટર અને GSR ક્ષમતા ૧-૩૫ લાખ લિટર) રાવાપર (WTP સપ્લાય), દરબારગઢ (૧-૫ લાખ લિટર – બંને), સાનાળા (૨-૧૨.૫ લાખ લિટર – ESA અને ૧-૩૫ લાખ લિટર – GSR), સદરબાગ (૨-૫ લાખ અને ૧-૮ લાખ લિટર (બંધ)-ESA તથા ૧-૫ લાખ અને ૧-૧૫ લાખ લિટર (બંધ)- GSR), સુરજબાગ (૧-૫ લાખ લિટર), વાવડી રોડ (NC ૭ પાઈપલાઈન સપ્લાય), કેસરબાગ (૧-૫ લાખ અને ૧-૩ લાખ લિટર- ESA, તથા ૧-૩.૫.૭ લાખ લિટર – GSR), પિકનિક સેન્ટર (૧-૧૧ લાખ લિટર -ESA તેમજ ૧-૩૫ લાખ લિટર GSR), ઉમા ટાઉનશીપ / નઝરબાગ (૧-૫ અને ૧૧ લાખ લિટર – ESA તથા ૧-૫ અને ૧૫ લાખ લિટર – GSR), અને શોભેશ્વર (૧-૫ લાખ લિટર) ખાતે સિસ્ટમ નાખવામાં આવશે.
આ ક્લોરીન ડોઝિંગ સિસ્ટમમાં મશીનો અને ઓટોમેશન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે. આ કામગીરીના સફળ અમલ બાદ મોરબી શહેરનું પીવાનું પાણી ડબ્લ્યુએચઓ (WHO) ના ધોરણો મુજબ સંપૂર્ણપણે જીવાણુમુક્ત અને પીવા માટે સુરક્ષિત બની જશે.










