મોરબી : ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી દ્વારા ભીમનાથ વાયા લજાઈનો નવો બસ રૂટ કરું કરવાની માંગ સાથે રાજકોટ એસ.ટી. ડિવિઝન કચેરી ખાતે ડિવિઝન કંટ્રોલને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.
ટંકારા તાલુકાના મોરબી – રાજકોટ હાઇવે પર મોરબીથી 9 કી.મી. લજાઈ ગામના બસસ્ટેન્ડથી પશ્ચિમે 3 કી.મી. દૂર ડેમી – 2 ડેમના કાંઠે ભીમનાથ મહાદેવનું પુરાતન ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરને જિલ્લા પંચાયત દ્વારા પ્રસાશન સ્થળ તરીકે માન્યતા પણ આપવામાં આવી છે. તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ – ગાંધીનગરમાં નોંધણી અંગેની કામગીરી ચાલુ છે. આ મંદિર મોરબી જિલ્લાની આસ્થાના કેન્દ્ર સમાન હોય અહીં દરરોજ અનેક ભાવિકો દર્શનાર્થે આવે છે.
લજાઈ ગામના બસ સ્ટેશનથી મંદિર સુધી 3 કી. મી.આવવા જવા માટે બસની સુવિધા ન હોવાથી મધ્યમ અને નાના ગરીબ પરીવારોને મંદિર પહોંચવા પગે ચાલીને જવું પડે છે અથવા ખાનગી વાહનોમાં તેઓને પરવરે નહિ તેવું ઘણું ઊંચું ભાડું આપવું પડે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી મોરબીથી ભીમનાથ વાયા લજાઈ જવા માટે નવો રૂટ શરૂ કરવા રજુઆત કરાઈ છે. જેમાં મોરબી નવા બસ સ્ટેશનથી ઉપડી સવારે 9 વાગ્યે, બપોરે 1 વાગ્યે તથા સાંજે 6 વાગ્યે ભીમનાથ મંદિર પહોંચે તેવી રીતે ત્રણ ટ્રીપમાં નવો બસ રૂટ શરૂ કરવા માંગ કરવામાં આવી છે.










