મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે તા.17મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબી પધારવાના છે. તેઓ મોરબીમાં નિર્મિત ‘નમો વન’ વડાપ્રધાનને વર્ચ્યુઅલી અર્પણ કરશે. આ કાર્યક્રમમાં 7500 પ્રજાજનો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે.
આગામી 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તેમનો આ પ્લેટીનમ બર્થ ડે વિશેષ સેવા કાર્યથી ઉજવવા ભાજપ દ્વારા વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. ત્યારે મોરબીમાં પણ આ માટે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની રક્ષા માટે, જંગલો વધે અને પ્રકૃતિનું ચક્ર સારી રીતે ચાલે તે માટે મોટી સંખ્યામાં વૃક્ષો વાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં, મચ્છુ ડેમ નં.2ની બાજુમાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તથા વન વિભાગના સહયોગથી 10 લાખ જેટલા વૃક્ષોનું ‘નમો વન’ મીયાવાકી જંગલ બનાવવામાં આવી રહ્યું છે. 17 સપ્ટેમ્બરને બુધવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી પધારશે. તેઓના હસ્તે આ ‘નમો વન’ માનનીય પ્રધાનમંત્રીને વર્ચ્યુલી અર્પણ થશે. વડાપ્રધાનને 75 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં 7500 પ્રજાજનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સમારોહ સંપન્ન થશે. તેવુ જાણવા મળ્યું છે.











