વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ દુધની ડેરીમાં ગઈકાલે સવારના સમયે કોઈ અજાણ્યા તસ્કરે ડેરી સંચાલકની નજર ચૂકવી 1.94 લાખની રોકડ તેમજ ચેકબુક સહિતની વસ્તુઓ સાથેનો થેલો ચોરી કરી જતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મ ધરાવતા ફરિયાદી લીંબાભાઈ કરશનભાઇ સરૈયા ઉ.45 નામના વેપારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ ડેરીએ હતા ત્યારે સવારના સમયે કોઈ અજાણ્યો તસ્કર ડેરીના કાઉન્ટર ઉપર પડેલ થેલો ચોરી ગયો હતો. આ થેલામાં રોકડા રૂપિયા 1.94 લાખ તેમજ બેંકની પાસબુક અને બીલબુક સહિતની ચીજવસ્તુઓ હોય ચોરીની આ ઘટના અંગે પોલીસે લીંબાભાઈની ફરિયાદને આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










