મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામવાડી ખાતે બપોરે 1-30 કલાકેથી શરૂ થશે કાર્યક્રમ
મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 સપ્ટેમ્બર ને રવિવારના રોજ બપોરે 1-30 કલાકેથી મોરબીના રામધન આશ્રમ સામે મહેન્દ્રનગર સ્થિત રામવાડી ખાતે 16મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.
આ સરસ્વતી સન્માન સમારોહમાં મોરબી જિલ્લા વિસ્તારના સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને તથા વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વવાણિયા માતૃશ્રી રામબાઈ માની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે. દિપ પ્રાગટ્ય રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન તથા મયુરનગર માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન કરશે. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા હાજર રહેશે. આ ઉપરાંત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના સૌજન્ય વેણાસરના વતની અરજણભાઈ મેરામભાઈ હુંબલ છે. તો આ કાર્યક્રમમાં પધારવા સમસ્ત આહીર સમાજના પરિવારોને મંત્રી મયુરભાઈ ગાજીયા અને પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.











