રૂપિયા 1.34 લાખનો મુદ્દામાલ કબ્જે, ત્રણ આરોપીઓ ફરાર
મોરબી : મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી છે ત્યારે ગઈકાલે મોરબી તાલુકા પોલીસે કાલિકાનગર અને માળીયા મિયાણા પોલીસે ગુલાબડી વાંઢ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરી દેશી દારૂની પાંચ ભઠ્ઠી ઝડપી લઈ 1.34 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, બન્ને દરોડાના દેશી દારૂના ધંધાર્થી હાથ આવ્યા ન હતા.
પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે કાલિકાનગર ગામની સીમમાં દરોડો પાડી આરોપી નિલેશ બચુભાઇ ભોજવીયા અને આરોપી સુરેશ જગાભાઈ કોળીની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડતા બનાવ સ્થળેથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ચાલુ મળી આવતા પોલીસે ઠંડો, ગરમ આથો 1600 લીટર, 180 લીટર દેશી દારૂ, પતરાના બેરલ, બકડીયા, ગેસના ચૂલા, બર્નર સહિત કુલ રૂપિયા 76,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપીઓ નાસી ગયા હતા.
બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે ગુલાબડી વાંઢ વિસ્તારમાં બાતમીને આધારે દરોડો પાડી આરોપી સલીમ ઉર્ફે બાડો રહે.માળીયા મિયાણા વાડા વિસ્તાર વાળાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ 100 લીટર ગરમ આથો, 1000 લીટર ઠંડો આથો, 100 લીટર દેશી દારૂ, બકડીયું અને નળી સહિતના સાધનો મળી કુલ રૂપિયા 47,650નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમીયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.








