જોધપુર થયું ધન્ય: મંદિર નિર્માણમાં સેવા આપનારા સૌ પ્રત્યે વ્યક્ત કરાઈ કૃતજ્ઞતા
જોધપુરમાં સાંસ્કૃતિક વારસાની ઉજવણી : ૧૮૧ યજ્ઞ કુંડો અને ૩૦૦૦થી અધિક યજમાન સાથે યોજાશે વિશ્વશાંતિ મહાયજ્ઞ
મોરબી : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જોધપુર મૂર્તિ પ્રતિષ્ઠા ઉપક્રમે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ‘કૃતજ્ઞતા દિવસ’ વિષય પર એક વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ સભામાં જે જે મહાનુભાવો તરફથી યોગદાન પ્રાપ્ત થયું છે તેઓને વિશેષ યાદ કરવામાં આવ્યા. તેમજ તેઓના સેવા, સમર્પણ અને પરિશ્રમ ને પણ બિરદાવવામાં આવ્યા. આ અવસરે સૂર્યનગરી જોધપુર ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક આનંદથી ભરાઈ ગયું, જ્યારે હજારો ભક્તો આ પ્રેરણાદાયક ઉત્સવમાં જોડાયા. આ પ્રસંગે જોધપુર ક્ષેત્રના વિશિષ્ટ જનપ્રતિનિધિઓએ પણ પોતાની પાવન ઉપસ્થિતિ નોંધાવી, જેમાં જોધપુરના જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલ (આઈએએસ) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા.
કાર્યક્રમની શરૂઆત સાંજે ૫:૩૦ વાગ્યે ભક્તિ ગીતો અને ભજનો સાથે થઈ, જેણે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય વિવેકસાગરદાસ સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિમાં કૃતજ્ઞતા ભક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને સંસ્થામાં કૃતજ્ઞતા સાથે જોડાયેલા પ્રેરણાદાયક પ્રસંગોનું વર્ણન કર્યું. આ પછી, ઉપસ્થિત ગણમાન્ય અતિથિઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સાથે પોતાના હૃદયસ્પર્શી અનુભવોને યાદ કર્યા. ત્યારબાદ પૂજ્ય યોગીપ્રેમદાસ સ્વામીજીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. સભાનું સમાપન ભવ્ય આરતી સાથે થયું, જેમાં હજારો ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
આજે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૫થી મંદિર પરિસરમાં બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞનો પ્રારંભ થશે. પ્રથમ દિવસે જોધપુર અને આસપાસના વિસ્તારના હરિભક્તો આહુતિઓ અર્પણ કરશે, જ્યારે બીજા દિવસે દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુ ભક્તો આ પુણ્ય અનુષ્ઠાનમાં જોડાશે. ચાર વેદોના પવિત્ર જાપ આ પ્રસંગને વધુ દિવ્ય બનાવશે. યજ્ઞનો મુખ્ય સંદેશ શુદ્ધતા, પવિત્રતા, સકારાત્મકતા, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે આદર, આધ્યાત્મિક પ્રગતિ અને માનવતા પ્રત્યે સમર્પણ છે. આ ઉત્સવનો ઉદ્દેશ્ય લોકોને તેમની સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યો સાથે જોડવાનો છે, જેથી તેઓ નૈતિકતા અને સેવાની ભાવના અપનાવી જીવનને અર્થપૂર્ણ બનાવી શકે. સાથે-સાથે વિશ્વમાં વૈમનસ્ય દુર થાય અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એ પણ આ યજ્ઞનો હેતુ છે.
આ અવસરે રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપશે. આ કાર્યક્રમ ન માત્ર રાજસ્થાનની ભવ્ય પરંપરાઓને ઉજાગર કરશે પરંતુ સમાજમાં શાંતિ અને સકારાત્મકતાનો સંદેશ પણ ફેલાવશે.














