મોરબી: સ્વચ્છતા એજ સેવા અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વકર્મા બાળમંદિરની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની દિવાલની પાછળની જગ્યાએ 24 જેટલા ચિત્રકારોએ આજે સવારથી જુદા-જુદા ચિત્રો દોર્યા હતા. જેમાં કચરો કચરા પેટીમાં નાખવો, બેટી બચાવો બેટી પઢાઓ, વૃક્ષો વાવો સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓથી માંડીને મોટેરાઓ પણ જોડાયા હતા અને પોતાની ચિત્ર કલાના કામણ પાથર્યા હતા. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ મોરબી પણ હવે ચિત્રનગરી બની રહ્યું છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જે જગ્યાઓ ખાલી હતી ત્યાં દિવાલો પર મહાનગરપાલિકા કમિશનર દ્વારા જુદા-જુદા પ્રેરણાત્મક અને સંદેશો પૂરો પાડતાં ચિત્રો દોરવામાં આવ્યા છે. શાળા, કોલજ, હોસ્પિટલ સહિતની વિવિધ જગ્યાએ ચિત્રો દોરવામાં આવ્યા છે.














