મોરબી: “ભારતનું સિરામિક કેપિટલ” તરીકે વિશ્વમાં નામના ધરાવતા મોરબીના ઉદ્યોગોની ચમક પાછળ લાખો શ્રમજીવીઓની મહેનત છુપાયેલી છે. પરંતુ, આ ચમકતી સપાટી નીચે કામદારોના શોષણની વાસ્તવિકતા જોવા મળી રહી છે. સિલિકોસિસ પીડિત સંઘ, મોરબી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે, જેમાં દર્શાવાયું છે કે મોટી સંખ્યામાં કામદારોને કાનૂની લઘુત્તમ વેતન કરતાં પણ ઓછો પગાર મળે છે અને તેમને પગાર પાવતી પણ આપવામાં આવતી નથી.
સિલિકોસિસ પીડિત સંઘ દ્વારા “કેદમાં કાયદા – મોરબીમાં કાયદાના અમલની વાટ જોતા શ્રમજીવીઓ” શીર્ષક હેઠળ હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, સર્વે કરાયેલા 2000 કામદારોમાંથી લગભગ 22% (આશરે 440) કામદારોને 13,500 રૂપિયાથી ઓછું વેતન મળે છે, જે નિયત લઘુત્તમ વેતન કરતાં પણ ઓછું છે. આ આંકડા સ્પષ્ટપણે શ્રમ કાયદાના ખુલ્લેઆમ ઉલ્લંઘન તરફ ઈશારો કરે છે.
અભ્યાસમાં સામે આવેલી બીજી ગંભીર વાત એ છે કે સર્વે કરાયેલા 290 એકમોમાંથી 211 યુનિટમાં કામદારોને કોઈ પણ પ્રકારની પગાર પાવતી (Salary Slip) આપવામાં આવતી નથી. ફક્ત 79 એકમોમાં જ પગાર પાવતી મળે છે, પરંતુ તેમાં પણ ઘણી જગ્યાએ ફક્ત હાજરી કાર્ડને જ પગાર પાવતી તરીકે ગણવામાં આવે છે, જેમાં કામદારનું નામ કે અન્ય કોઈ વિગતો હોતી નથી. આ પરિસ્થિતિ કામદારોને તેમની કમાણીનો કોઈ કાયદેસર પુરાવો જ નથી આપતી, જેના કારણે તેઓ કાનૂની રીતે નબળી સ્થિતિમાં મુકાય છે.
આ અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ખાસ કરીને ગુજરાત બહારથી આવતા કામદારો વધુ શોષણનો ભોગ બને છે, કારણ કે તેમની મજબૂરીનો લાભ લઈને નોકરીદાતાઓ કાયદાનું પાલન કરવામાં બેદરકારી દાખવે છે. આ સ્થિતિ કાયદાના અમલીકરણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે.
સિલિકોસિસ પીડિત સંઘે આ મામલે મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, મોરબીને લેખિત રજૂઆત કરી છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. સંઘે માગણી કરી છે કે તમામ ઉદ્યોગોમાં લઘુત્તમ વેતનનો કડક અમલ થાય, દરેક કામદારને પગાર પાવતી આપવામાં આવે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ રજૂઆત પર એક મહિનાની અંદર લેખિત જવાબ આપવાની પણ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.










