મોરબી: સમગ્ર રાજ્યમાં વિચરતી વિમુક્ત જાતિ હક સમિતિ દ્વારા કલેક્ટર, મામલતદારને આવેદનપત્ર સુપરત કરવાનું નક્કી કરાયું હતું. જે અનુસંધાને મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના આશરે 40 જેટલા સમાજો દ્વારા આજે, તારીખ 25 સપ્ટેમ્બર, 2025ના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને 11% અનામત ફાળવવાની માગણી કરવાનો છે.
આવેદનપત્રમાં સમાજો દ્વારા અનેક સમસ્યાઓ અને માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ તેઓ સાચી આઝાદીથી વંચિત છે અને આજે પણ શોષણનો ભોગ બની રહ્યા છે. ડિમોલેશન સહિતની ઘણી પરિસ્થિતિઓમાં તેમના માટે રચાયેલા કાયદાનું રક્ષણ ન મળતું હોવા અંગે પણ જણાવ્યું છે. આ ઉપરાંત અનેકવાર તેમને ટાર્ગેટ કરતા હોવા અંગે પણ રજૂઆત કરાઈ છે. તેમની મુખ્ય સમસ્યાઓમાં શિક્ષણ અને રહેઠાણનો અભાવ, સરકારી તંત્ર દ્વારા થતું અપમાનજનક વર્તન, અને અંગ્રેજ શાસનના ક્રિમિનલ ટ્રાઈબ એક્ટની અસર આજે પણ જોવા મળતી હોવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિશિષ્ટ અધિકારો છીનવીને તેમને અન્ય વર્ગો ST, SC અને OBC સાથે ભેળવી દેવામાં આવ્યા હોવાને કારણે તેમના ન્યાયસંગત હકો છીનવાઈ રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
આ 40 સમાજો – જેમાં બજાણીયા, ભાંડ, ગારૂડી, કાથોડી, નાથ, કોટવાળિયા, તુરી, વિટોળીયા, વાદી, વાંસફોડા, બાવા વૈરાગી, ભવૈયા, ગરો, મારવાડા વાઘરી, ઓડ, પારધી, રાવળ, શિકલીગર, સરાણીયા, વણઝારા, જોગી, ભોપા, ગાડલીયા, કાંગસીયા, ઘંટિયા, ચામઠા, ચારણ-ગઢવી, સલાટ ઘેરા, બાફણ, છારા, ડફેર, હિંગોરા, મે, મિયાણા, સંધિ, ઠેબા, વાઘેર, દેવીપુજક, ચૂંવાળિયા કોળી, કોળી – એકજૂથ થઈને લડશે. તેમજ આ લડત ગાંધીજીના અહિંસક માર્ગે ચલાવવામાં આવશે અને જો જરૂર પડશે તો કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે.











