મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ, ધારાસભ્ય અને અગ્રણી ઉદ્યોગકારોએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને નવા લેબર રિફોર્મ્સ અને લાંબા સમયથી બાકી એક્સાઈઝ કેસ મામલે રૂબરૂ રજુઆત કરી છે.
ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, સિરામિક એસો.ના સેનિટરીવેર ડિવિઝન પ્રમુખ અજયભાઈ મારવાણીયા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરીયા તથા વિજયભાઈ ફેવરિટ અને લીગલ કન્સલ્ટન્ટ પંકજભાઈ રાચ્છ દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવીયાની રૂબરૂ મુલાકાત લઈ સિરામિક ઉદ્યોગોના વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી.
નવા લેબર રિફોર્મ્સ બાબતે મંત્રીને સૂચન કરવામાં આવ્યું કે આવતા લેબર રિફોર્મ્સમાં બિનજરૂરી કાનૂની ગૂંચવણો, અમલદારશાહી તથા લાઇસન્સિંગ રાજમાંથી ઉદ્યોગોને મુક્ત રાખવામાં આવે, જેથી ઉદ્યોગોને સુગમતા મળે. લાંબા સમયથી બાકી એક્સાઈઝ કેસ બાબતે પણ રજુઆત કરાઈ હતી. ઉદ્યોગના એક્સાઈઝ સંબંધિત કેસની રજૂઆત પ્રત્યે મંત્રીએ ખાસ રસ દાખવ્યો હતો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ત્વરિત કોન્ટેક્ટ કરી પોઝિટિવ સોલ્યૂશન લાવવા સૂચના આપી હતી. તેમ સિરામિક એસોસિએશનના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.











