ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યોજાતા પાલનપીરના મેળામાં કાર કેમ ન લઈ જવા દીધી કહી ધ્રુવનગર ગામના શખ્સે મેઘપર ઝાલા ગામના ટ્રાન્સપોર્ટર યુવાન ઉપર ચાલુ બાઈકે પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દિનેશભાઇ ખેંગારભાઈ ગોહેલ ઉ.35 નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે.ધ્રુવનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પંદરેક દિવસ પહેલા હડમતીયા ગામે પાલનપીરનો મેળો યોજાયો હોય જેમાં કાર લઈ જવા મુદ્દે આરોપીએ ફોનમાં ઝઘડો કરી બાદમાં તેઓ મોરબીથી ઘેર પરત જતા હતા ત્યારે હાઇવે ઉપર પાછળ પાછળ બાઈક ચલાવી કહ્યું હતું કે, તે કેમ મારી ગાડી મેળામાં ન લઈ જવા દીધી. જેથી ફરિયાદી દીનેશભાઈએ કહ્યું હતું કે, અમે પણ ટ્રાફિકના કારણે કાર પાર્કિંગમાં રાખી એ છીએ જેથી તમને પણ કાર પાર્કિંગમાં રાખવા કહ્યું હતું. જે બાદ આરોપીએ ધ્રુવનગર નજીક ચાલુ બાઈકે માથામાં પાઇપ ફટકારી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










