સર્કિટ હાઉસ સર્વિસ રોડ, પોસ્ટ-ઓફિસથી નજરબાગ સુધીનો રસ્તો અને ગેંડા સર્કલથી ચાર રસ્તા સુધીના માર્ગ પર લાઇટિંગ સિસ્ટમને સંપૂર્ણપણે કાર્યરત
મોરબી: મોરબી મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર લાઇટોને સુવ્યવસ્થિત કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં જ, પાલિકાએ અનેક મુખ્ય માર્ગો પરની સ્ટ્રીટ લાઇટોને સંપૂર્ણપણે કાર્યરત કરી દીધી છે.
પાલિકાની ઇલેક્ટ્રિકલ શાખાએ જાહેર કરેલી વિગતો અનુસાર, શહેરના સર્કિટ હાઉસ સર્વિસ રોડ, પોસ્ટ-ઓફિસથી નજરબાગ સુધીનો રસ્તો અને ગેંડા સર્કલથી ચાર રસ્તા સુધીના માર્ગ પર જરૂરિયાત મુજબના લાઇટ પોલ, કેબલ અને અન્ય મટિરિયલનો ઉપયોગ કરીને લાઇટિંગ સિસ્ટમને સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવી છે.
નવા પોલ નાખવાનું અને શિફ્ટિંગનું કામ પૂરજોશમાં
ઇલેક્ટ્રિકલ શાખા હાલમાં શહેરના એવા રસ્તાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાં સ્ટ્રીટ લાઇટ પોલની નવી જરૂરિયાત છે અથવા રોડ રિનોવેટ કરવામાં આવ્યા છે. જેમાં પંચાસર રોડ પર નવા પોલ નાખવાનું, એલ.ઈ. કોલેજ રોડ પર પોલ શિફ્ટિંગની તેમજ ત્યારબાદ આખા રસ્તા પર લાઇટોની સુવિધા ઉપલબ્ધ થશે. મહાપાલિકાએ ખાતરી આપી છે કે આગામી સમયમાં તમામ જાહેર માર્ગો અને મુખ્ય રસ્તાઓ પરની લાઇટો હર-હંમેશ માટે ચાલુ રહે તેવા સતત પ્રયાસો કરવામાં આવશે.
વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે, મોરબી મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખાએ તારીખ ૦૩/૦૯/૨૦૨૫ થી પોતાની એપ્લિકેશન કાર્યરત કરી છે. જેમાં ૦૩/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધીના એક મહિનાના ગાળામાં કુલ ૧૧૧૧ ફરિયાદો નોંધાઈ હતી. તેમાંથી ૯૦૪ ફરિયાદોનો તારીખ ૦૩/૧૦/૨૦૨૫ સુધીમાં નિકાલ કરવામાં આવ્યો છે.










