મોરબી : મોરબીમાં આજે રેન્જ આઈજી અશોક કુમારની અધ્યક્ષતામાં એસપી કચેરી ખાતે સિરામિક એસોસિએશન અને અન્ય વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગકારોએ વિવિધ પ્રશ્ને રજૂઆતો કરવામાં આવી હતી.
આ બેઠકમાં મોરબીના કેટલાક મુખ્ય પ્રશ્નો પર વિસ્તૃત અને મુદ્દાસર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકને લગતા પ્રશ્નો, સાયબર ક્રાઇમના બનાવો કઈ રીતે ઘટાડી શકાય અને તેને થતા અટકાવવા માટે કયા પગલાં લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિ માટે તાત્કાલિક મદદ મેળવવા હેલ્પલાઇન નંબર 1930નો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા માટે “હેલ્મેટ વગર નો એન્ટ્રી”ના નિયમનું પાલન કરવા પર ભાર મુકાયો. આઈજીએ ટકોર કરી હતી કે આ પગલું રોડ અકસ્માતોમાં થતી જાનહાનિને મહદઅંશે ટાળી શકે છે અને કર્મચારીઓને સુરક્ષિત રાખવામાં ઉદ્યોગકારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરતું રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ રજૂઆત માટે ઉપરી અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે. આઈજી અશોક કુમારે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી કારોને તાત્કાલિક ડીટેઇન કરવામાં આવશે.
મોરબી સિરામિક એસોસિએશને આઈજી અશોક કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો, જેઓ નિયમિતપણે મોરબીની મુલાકાત લઈ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી જૂના પ્રશ્નોની સમીક્ષા કરીને નવા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે છે. આ ઉપરાંત, ઉદ્યોગકારોએ એસ.પી. મુકેશકુમાર પટેલ, ડીવાયએસપી ઝાલા અને સારડાનો પણ પ્રાણ પ્રશ્નોના સકારાત્મક નિરાકરણ માટે આભાર માન્યો હતો.












