મોરબી : આજે વહેલી સવારે કચ્છ બાજુથી એક બોલેરો પીકઅપમાં જીવોને ક્રૂરતાપૂર્વક ભરીને માળીયા થઈને જામનગર કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા હતા. જેને ગૌરક્ષકોએ બચાવીને પાંજરાપોળને સોંપી દીધા છે.
મોરબી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ યુવા વાહિની શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા, અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષા મોરબીની ટીમને મળેલી બાતમીના ગૌરક્ષકોની ટીમે પીપળીયા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી કતલખાને લઈ જવાતા 16 પશુઓને બચાવી લેવાયા હતા.
બાતમી મુજબનું વાહન આવતા, તેને રોકીને તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વાહનમાંથી ભેંસ વર્ગના 16 પાડાના જીવો મળી આવ્યા હતા, જેમને હલીચલી ન શકે તે રીતે ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા અને ઘાસ-પાણીની કોઈ સુવિધા નહોતી. પૂછપરછમાં ડ્રાઈવરે કબૂલ્યું હતું કે આ જીવોને કચ્છ બાજુથી ભરીને જામનગર કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારબાદ, વાહન અને એક આરોપી સાથે ગૌરક્ષકોએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરાવી હતી. પોલીસ કાર્યવાહી બાદ, બચાવેલા તમામ જીવોને મોરબી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં મોરબી તાલુકાના પોલીસ અધિકારી અને સ્ટાફનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો. આ સફળ કામગીરીમાં મોરબીની વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના તમામ ગૌરક્ષક સાથીઓએ જહેમત ઉઠાવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.














