મોરબી : મોરબી જિલ્લાના સંવિધાન સેવા મંચ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ, સાથે નવનિયુક્ત કર્મચારી દાતાઓનું અભિવાદન અને પારિવારીક સંગઠનાત્મક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનુભાવોના હસ્તે અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિતના તમામ મહાનુભાવોએ બંધારણના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરના ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશનના આયામોને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નોમાથી શીખ લેવા હાકલ કરાઈ હતી. આ તકે 150 વિધાર્થીઓ, દાતાઓ નવનિયુક્ત કર્મચારીઓનો સામુહિક અભિવાદન સમારોહ યોજાયો હતો. મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેસર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ દેશનું ભાવિ હોય નવી પેઢીના નિર્માણ કરવા સકારાત્મક પ્રયાસો કરવા સમાજે ઊંડું ચિંતન મનન કરવા તેમજ નવી પેઢીને બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ આદર્શ જીવન જીવવાની શીખ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કર્યું હતું. આ રચનાત્મક ભવ્યાતિભવ્ય કાર્યક્રમની જ્વલંત સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ અથાગ પરિશ્રમ કરી સન્માન સમારોહની ડો. બાબા સાહેબના દિવ્ય વિચારોનું અમલીકરણ કર્યું હતું.
















