વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા, નરસંગ ટેકરીથી અવની ચોકડી સુધી વોલ પેઇન્ટિંગ કરાયું
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ગઈકાલે વોલ પેઇન્ટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા બાદ આજે સાયકલોથોન અને મેરેથોન યોજાઈ હતી. જેમાં અધિકારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત 11 ક્લસ્ટર માં 33 જગ્યાએ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ગઈકાલે હિરાસરી રોડ પર એટલે કે નરસંગ ટેકરીથી અવની ચોકડી સુધી લોકોની સહભાગીતાથી દિવાલને સુંદર ચિત્રો સાથે રંગવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા આસપાસમાં રહેતા બાળકો જોડાયા હતાં. ત્યારબાદ રવાપર ચોકડી ખાતે આવેલ ક્લસ્ટર કચેરી ખાતે RRR સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર પર નાગરિકો કપડાં, રમકડાં તેમજ અન્ય વસ્તુઓ નિયમિત રૂપે ભેટ આપી શકે છે જે એકત્ર કરીને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયુ કે તા.7થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે વોલ પેઈન્ટીંગ, RRRની સ્થાપના સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી લઈ મણિઅંદર સુધી આજે સવારે મેરેથોન અને સાયકલોથોન યોજાયા હતા. જેમાં ઘણા લોકોએ ભાગ લીધો હતો. વધુમાં તા.15ના રોજ રૂ.50 કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે. જેમાં રૂ.1 કરોડથી નીચેના કામોનું અહીંથી તથા તેનાથી વધુ રકમના કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.












