માનવીના હૃદયમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા, સંકુચિત વિચાર, ઈર્ષ્યા, હિંસા, હૂંફતાપ, સ્વાર્થ અને લાલચ જેવા અનેક અંધકારમય તત્વો વસેલા હોય છે.આ અંધકારનો નાશ કરી અંતરમાં જ્ઞાન, કરુણા, પ્રેમ અને માનવતાના દીવા પ્રગટાવવાનો દિવસ એટલે — દિપોત્સવ, દિવાળી! ✨દરેક માણસમાં શુભ અને અશુભ બંને તત્વો રહેલા હોય છે. પરંતુ દિવાળી એ એ દિવસ છે જ્યારે આપણે મનના અશુભ વિચારોને બુઝાવી આત્મપ્રકાશનો દીવો પ્રગટાવીએ છીએ. જેવી રીતે ફટાકડાંના અવાજથી આકાશ ઝગમગી ઊઠે છે, તેવી જ રીતે આપણાં અંતરમાં પણ શુભભાવના, સદ્વિચાર અને કરુણાનાં ફટાકડાં ફોડવા જોઈએ જેથી મનના અંધકારનો નાશ થાય. એ જ દિવાળીની સાચી ઉજવણી છે.
બાકી તો કેલેન્ડર બદલાશે, નવા કપડાં આવશે, મીઠાઈ બનાવાશે, લાઇટો અને રંગોળીઓથી ઘર શણગારાશે પરંતુ જો દિલનો દ્વાર અંધકારમાં બંધ હશે, તો બહારના હજારો દીવાઓનો પ્રકાશ પણ બેફાયદો છે. યુવાનો ફક્ત પોતાનું ઘર નહીં, પરંતુ સમાજનું પણ હૃદય પ્રકાશિત કરે. અંધકારમાં ફસાયેલા મનુષ્યમનમાં જાગૃતિનો દીવો પ્રગટાવવો એ જ સાચી રાષ્ટ્રસેવા છે.
દરેક યુવાન એ પોતાનાં વર્તન, વિચારો અને કાર્યથી એક દીવો બને એવો દીવો જે બીજાનાં જીવનમાં પ્રકાશ ભરે.
દિવ્યતા, પવિત્રતા અને પરમ ઐશ્વર્યથી સંપન્ન આ મહાપર્વ સૌના અંતરમનમાં આનંદ, સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ ફેલાવે.આપણી અંદર રહેલી અલૌકિક શક્તિ અને ઈશ્વરીય ચેતનાનો જાગરણ થાય.કારણ કે પ્રકાશ એ જીવનનો સ્વભાવ છે જ્યાં પ્રકાશ છે ત્યાં આશા છે, ઉત્સાહ છે, અને જીવનનો રસ છે.અંધકાર એટલે અજ્ઞાન અને નિરાશાનું પ્રતિક અને દિપાવલી એ એ જ અંધકારને જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાનો સંકલ્પ છે.ચાલો, આ પાવન દિવસે ફક્ત ઘરને નહીં,પણ અંતઃકરણને પણ પ્રજ્વલિત કરીએ — સદ્કર્મ, સંસ્કાર અને સંકલ્પના દીપોથી.આપણા જીવનમાં આનંદની કિરણો, સમૃદ્ધિની છટા અને શાંતિનો સુગંધિત પ્રકાશ સદાય પ્રગટતો રહે.
✨ આ દિવાળીએ આપણી અંદરનો પ્રકાશ જગાવો,બીજાના જીવનમાં અજવાળું પાથરો,
અને આ રાષ્ટ્રને ઉજાસથી ભરી દો.
આપ સૌને અને આપના પરિવારને દિવાળી તથા નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. પ્રકાશ, સમૃદ્ધિ અને શાંતિ હંમેશા આપના જીવનમાં વસે તેવી પ્રાર્થના. જય હિંદ!
— ડો.દેવેન રબારી
સ્થાપક, યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી











