મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ-2 ડેમમાં હાલ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. જિલ્લામાં બપોરથી ચાલુ થયેલા માવઠાના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. આવક વધતા સુરક્ષાના ભાગરૂપે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.
હાલમાં મચ્છુ-2 ડેમમાં 789 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જ્યારે ડેમમાંથી એક દરવાજો 2 ઇંચ ખોલી 108 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પહેલાં સાંજે મચ્છુ-3 ડેમનો પણ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. માવઠાને કારણે મચ્છુ નદીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા તટવર્તી ગામોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
સાવચેત કરાયેલા ગામોમાં મોરબી તાલુકાના —
જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગરનો સમાવેશ થાય છે.
જ્યારે માળીયા તાલુકાના —
વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) ગામોને પણ સાવચેત રહેવા તંત્રએ ચેતવણી આપી છે.










