વાંકાનેર શહેરના હરિદાસ રોડ પર બનેલા એક નાના અકસ્માત બાદ વિવાદ ઉગ્ર બની જતા ધમકી સુધી મામલો પહોંચ્યો છે. આઠેક દિવસ પહેલા કાપડના વેપારીના પુત્રની એક્ટિવા સાયકલ સવારને હડફેટે લેતાં ઇજા થયાનો બનાવ સર્જાયો હતો. આ અકસ્માત બાદ સાયકલ સવારના પિતા અને કાકા વેપારીની દુકાને પહોંચી ઝઘડો કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ, વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીમાં રહેતા અને હરિદાસ માર્ગ પર દુકાન ધરાવતા ઇમરાનભાઈ દાઉદભાઈ માણકીયાએ વાંકાનેર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી ઇરફાનભાઈ અબ્દુલભાઇ કાજી અને વસીમભાઈ અબ્દુલભાઇ કાજી આઠેક દિવસ પહેલા રાત્રે દુકાને આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે ઇમરાનભાઈના પુત્રએ એક્ટિવા ચલાવતા તેમના પુત્રની સાયકલ સાથે અકસ્માત કરી ઇજા પહોંચાડી હતી.
ફરિયાદી ઇમરાનભાઈએ બનાવ અંગે માફી માગી તથા સારવાર ખર્ચ આપવાની તૈયારી દર્શાવી હતી. છતાં આરોપીઓ ઉશ્કેરાઈ ઝઘડો કરી વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં મામલો સમાધાનથી નિપજ્યો હોવા છતાં, આરોપીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરિણામે, વેપારીએ પણ પોતાને માર મારવા અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ધમકી તથા મારામારીની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.








