મોરબી મહાપાલિકા દ્વારા શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે એક મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 10 મુખ્ય માર્ગો કે જે અગાઉ માર્ગ અને મકાન વિભાગ હેઠળ હતા અને હવે મહાપાલિકાને હસ્તગત કરવામાં આવ્યા છે, તે પૈકી 06 માર્ગોને ‘લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ 06 માર્ગોમાંથી, પંચાસર રોડ અને શનાળા-ખાનપર રોડ પરના દબાણો હટાવવાની કામગીરી ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ટી.પી. શાખા દ્વારા શરૂ કરવામાં આવશે.
આ અંતર્ગત પંચાસર રોડ માર્ગની હાલની પહોળાઈ વધારીને 18 મીટર કરવામાં આવશે, જેના માટે માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શનાળા-ખાનપર રોડની હાલની પહોળાઈ વધારીને 24 મીટર કરવામાં આવશે, જે ટ્રાફિકના પ્રવાહને વધુ સરળ બનાવશે. મહાપાલિકાના જણાવ્યા અનુસાર, આ બંને મુખ્ય માર્ગોના વિકાસ અને પહોળાઈ વધારવાના કારણે શહેરની ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને નાગરિકોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે.
ટ્રાફિક સમસ્યા નિવારણની કાર્યવાહી ઉપરાંત, ટી.પી. શાખા દ્વારા બાંધકામ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ કામગીરી પણ ગતિમાં છે. ગત અઠવાડિયામાં ટી.પી. શાખાએ ‘ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA)’ હેઠળ કુલ 06 કેસની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 22 ગૃડાના કેસ રેગ્યુલરાઇઝ્ડ થઈ ચૂક્યા છે. તેમજ વિકાસ પરવાનગીની વાત કરીએ તો, શાખા દ્વારા વધુ 04 ફાઈલો મંજૂર કરવામાં આવી છે. પરિણામે, અત્યાર સુધીમાં કુલ 29 વિકાસ પરવાનગીઓ આપવામાં આવી છે. તેમજ મહાપાલિકાએ જણાવ્યું છે કે આવનારા સમયમાં બાકી રહેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે.











