મોરબી એસટી વિભાગને દિવાળી પર્વ ફળ્યું છે. દિવાળી પર્વ શૃંખલામાં વત્તનની વાટ પકડનારા શ્રમિકો અને અન્ય મુસાફરોએ એસટી બસમાં મુસાફરીને પ્રાધાન્ય આપતા મોરબી ડેપોએ અગિયારસથી લાભપંચમી સુધીમાં વધારાની 58 ટ્રીપ દોડાવી મુસાફરોને ગંતવ્ય સ્થાને પહોંચાડી આ અગિયાર દિવસ દરમિયાન વધારાની 6.88 લાખથી વધુની કમાણી કરી હતી.સરેરાશ આ અગિયાર દિવસમાં મોરબી એસટીની તિજોરીમાં રૂ.44,60,588ની આવક થઇ હતી.
મોરબી વિભાગીય એસટી ડેપોના ઇન્ચાર્જ ડેપો મેનેજર બકામારાજના જણાવ્યા મુજબ દિવાળીના મીની વેકેશનના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી ડેપો દ્વારા દાહોદ, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ, જામનગર રૂટ ઉપર વધારાની બસનું સંચાલન કરી 58 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. ઉપરોક્ત તમામ રૂટ ઉપર વધારાની બસ દોડાવવામાં આવતા મોરબી એસટી ડેપોને કુલ રૂપિયા 6,88,760ની વધારાની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે, સામાન્ય દિવસોમાં મોરબી એસટીને રૂટ સંચાલન થકી ત્રણથી સાડાત્રણ લાખ રૂપિયા આવક થતી હોય છે. જેમાં આ વર્ષે દિવાળીના તહેવાર પહેલા અને પછીના દિવસોમાં સરેરાશ ચાર લાખથી વધુની આવક થઇ હતી જેમાં લાભ પંચમીના આગળના દિવસે સૌથી વધુ એક દિવસમાં 4.62 લાખની આવક થવા પામી હતી.
કઈ તારીખે કેટલી આવક
તારીખ આવક
16 ઓક્ટોબર – રૂ.4,32,422
17 ઓક્ટોબર- રૂ.4,22,762
18 ઓક્ટોબર- રૂ.4,38,684
19 ઓક્ટોબર- રૂ.4,34,525
20 ઓક્ટોબર- રૂ.3,83,869
21 ઓક્ટોબર- રૂ.3,39,738
22 ઓક્ટોબર- રૂ.2,74,798
23 ઓક્ટોબર- રૂ.4,08,047
24 ઓક્ટોબર- રૂ.4,55,141
25 ઓક્ટોબર- રૂ.4,62,264
26 ઓક્ટોબર- રૂ.4,08,338
કુલ રૂ.44,60,588











