અઠવાડિયા પહેલાના ગોઝારા અકસ્માતની રીક્ષા ચાલકે ડમ્પર સામે ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં અઠવાડીયા અગાઉ બપોરના સમયે બેકાબુ બનેલા ડમ્પર ચાલકે પાવડીયારી કેનાલ નજીક એક સાથે ચાર રીક્ષા હડફેટે લઈ રોડની સાઈડમાં ઉભેલા પાંચ લોકોને ઝપટે લેતા આ ગોઝારા અકસ્માતમાં બે પરપ્રાંતીય યુવકના મોત નિપજ્યા હતા.આ બનાવ અંગે રીક્ષા ચાલકે ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા.21ના રોજ બપોરના સમયે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક જીજે – 23 – એક્સ – 1094 નંબરના ડમ્પર ટ્રક ચાલકે સ્ટુયરિંગ પરનો કાબૂ ગુમાવી અકસ્માતની હારમાળા સર્જી હતી. ડમ્પર ચાલક બેકાબુ બની માર્કેટમાં માતેલા સાંઢની જેમ ધસી આવતા ફરિયાદી ઇમરાનશા અહેમદશા શાહમદાર, રહે. વાવડી રોડ ગણેશનગર સોસાયટી, મોરબી વાળાની રીક્ષાને હડફેટે લઈ રિક્ષાનો બુકડો બોલાવી દેવાની સાથે અન્ય ત્રણ રીક્ષાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ ઉપરાંત ડમ્પર ચાલકે રોડની સાઇડમાં ઉભેલ રાહદારી મનોજ ધનેશ્વર ગોપ તથા સુનિલ ગુમાનસીંગ અમલીયારને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજા પહોંચાળી મોત નિપજાવ્યુ હતું અને સાહેદ સાહીલ મેમણ, હુશેન મુલતાની તથા રાજેશ સુનિલભાઈ નામના બાળકને શરીરે ગંભીર ઇજા પહોંચાડી પોતાનો ટ્રક મુકી નાશી ગયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










