મોરબી : મોરબીના વેપારીને આપેલો રૂ.1 લાખનો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટે આરોપીને બે વર્ષની સજા અને ડબલ રકમ ચૂકવવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ઉપરાંત રકમ ભરવાના નિષ્ફળ જાય તો વધુ 90 દિવસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકતો એવી છે કે, ફરીયાદી રાજેશભાઈ દેત્રોજા પ્રોપરાઈટર શ્રીજી કેમીકલ નામથી કાચની ભંગાર વસ્તુઓ દળીને ભુકો કરવાનું તથા કાચની ભંગાર વસ્તુઓ લે-વેચ કરવાનો ધંધો કરતા હોય, આરોપીએ વેસ્ટ ગ્લાસની રૂપીયા ૨,૨૫,૭૫૦/- ની ઉધારથી ખરીદી કરેલ તે રકમ ચુકવણી કરવા પેટે આરોપીએ ફરીયાદીને કોટક મહિન્દ્રા બેંક સચીન બ્રાંચનો રૂપીયા ૧,૦૦,૦૦૦/- નો ચેક તા. ૩૦/૦૧/૨૦૨૩ ના રોજનો આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં જમાં કરાવતા તે ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે તા. ૩૧/૦૧/૨૦૨૩ના રોજ પરત ફરેલ હતો. આ મામલે મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ મોરબીના મહે. ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વિરૂધ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતા આરોપી કોર્ટમાં હાજર થયેલ અને તેઓના પ્લી તથા એફ.એસ. રેકર્ડ થયા પછી આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેલ ન હોય અને આરોપીને હાલના કેસની જાણ હોવા છતાં તેઓ જાણી જોઈને ફરીયાદી પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ છે. અને તેમની ગેરહાજરી ને કારણે ફરીયાદીની ઉલટ તપાસનો હકક બંધ કરવામાં આવ્યો અને આરોપી આકતાબ આલમ પ્રોપરાઈટર મુન્ના ગ્લાસને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના ગુના સબબ તકસીરવાન ઠરાવવામાં આવેલ અને બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૧,૦૦,૦૦૦/- ની ડબલ રકમ ૨,૦૦,૦૦૦/- ચુકવવાનો દંડ ફરમાવવામાં આવેલ છે. તે દંડમાંથી ફરીયાદી ને ફરીયાદવાળા ચેકની રકમ ફરીયાદની તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષીક ૯% ટકાના સાદા વ્યાજ સહિત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીએ વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી પક્ષના વકીલ તરીકે બળદેવ પી. કાચરોલા રોકાયેલ હતા.











