Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના શાક માર્કેટ પાછળ ગટર ઉભરાતા વેપારીઓના ધંધા પર માઠી અસર

મોરબીના શાક માર્કેટ પાછળ ગટર ઉભરાતા વેપારીઓના ધંધા પર માઠી અસર

ખુલ્લી ગટરના કારણે 3-4 મહિલાઓ લપસી હોવાના પણ બનાવ : વેપારીઓ ત્રાહિમામ

મોરબી : મોરબીને નગરપાલિકામાંથી મહાપાલિકાનો દરજ્જો મળી ગયો હોવા છતાં, શહેરના હૃદય સમા મુખ્ય શાક માર્કેટ પાછળ આવેલી લોહાણા પરાની શેરીમાં લાંબા સમયથી વણઉકેલાયેલો ગટરનો પ્રશ્ન લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓના મતે, આ શેરીમાં છેલ્લા 20 વર્ષથી સતત ગટરના પાણી વહી રહ્યા છે અને ઉભરાઈ રહ્યા છે.

મહાપાલિકા બન્યા બાદ તંત્ર દ્વારા આ પ્રશ્ન પર આંશિક ધ્યાન આપવામાં આવ્યું હતું અને ગટરના પાઇપ નાખવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકોના કહેવા પ્રમાણે, આ પ્રયાસો વ્યર્થ ગયા છે. ખોખર મકસૂદે જણાવ્યું હતું કે “આ પ્રશ્ન ઘણા સમયથી છે. કમિશનરે પાઇપ નખાવ્યા હતા જે વેસ્ટ ગયા છે, હાલ તે કઈ ઉપયોગમાં આવતા નથી. પાછળની બાજુ ભૂગર્ભની લાઇન આખી ભરાયેલી પડી છે. ભૂગર્ભની લાઇન જ્યાં સુધી સાફ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે.”

લોહાણા પરાની આ શેરી મુખ્ય શાક માર્કેટનો ભાગ હોવાથી વહેલી સવારથી મોડી સાંજ સુધી અહીં લોકોની ભારે અવરજવર રહે છે. ગ્રાહકો શાકભાજી લેવા આવે છે, પરંતુ તેમને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રાધાબેને જણાવ્યું હતું કે “ગટર છલકાવાનો પ્રશ્ન છે જેના કારણે 3-4 મહિલાઓ પડી ગઈ હતી. વરસાદનું પાણી હોય તો ગ્રાહક ચાલીને આવે પણ ગટરના પાણીમાં કોઈ આવતું નથી.

આ ઉપરાંત, આ શેરીમાં 5 થી 6 ફૂટ ઊંડી ગટરની કુંડીઓ ખુલ્લી છે. ગટરના પાણી ભરાયેલા રહેવાથી આ કુંડીઓ દેખાતી નથી, જેના કારણે અકસ્માતો સર્જાય છે. થોડા સમય પહેલા જ ચાર મહિલાઓ આ કુંડીમાં પડી જવાનો ગંભીર બનાવ બન્યો હતો. ગંદા પાણીને કારણે વાહન ચાલકો પણ અવારનવાર લપસી પડ્યા હોવાના બનાવો નોંધાયા છે. સતત ગંદકી અને ગ્રાહકોની ઓછી ચહલપહલના કારણે વેપારીઓને વેપારમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. કરિયાણાની દુકાન ચલાવતા ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે “20 વર્ષથી આ પ્રશ્ન યથાવત્ત છે. ખાસ કરીને ચોમાસામાં વધુ તકલીફ રહે છે. ગંદકીને કારણે ધંધામાં સાવ મંદી રહે છે. સવારે આવીને સાંજે વયા જાય તેવી પરિસ્થિતિ છે.”

સ્થાનિકો દ્વારા મહાપાલિકામાં અનેકવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં, ખુલ્લી ગટર અને ભૂગર્ભ ગટરનું કામ સંભાળતા બંને વિભાગો એકબીજાને ખો આપીને જતા રહે છે. આનાથી યોગ્ય કાર્યવાહી થતી નથી અને પ્રશ્ન યથાવત્ત રહે છે. ખોખર મકસૂદે જણાવ્યું હતું કે રોડ-રસ્તા બન્યા બાદ આ સમસ્યા વધુ ગંભીર બની છે. પહેલા માત્ર ઊભી લાઇનમાં જ પાણી ભરાતું. તેમણે તાત્કાલિક ધોરણે ભૂગર્ભની ભરાયેલી લાઇન સાફ કરવા અથવા નવી લાઇન નાખવા માટે કમિશનરને અપીલ કરી છે, જેથી વેપારીઓ અને ગ્રાહકોની હાલાકીનો અંત આવે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments