મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની 100મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલો એક ખાસ સ્મારક સિક્કો દેશભરમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. આ સિક્કાની સૌથી અનોખી અને ઐતિહાસિક વિશેષતા એ છે કે ભારતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ચલણી સિક્કા પર ભારત માતાની ભવ્ય છબી દર્શાવવામાં આવી છે, જે રાષ્ટ્રીય ભાવના અને માતૃભૂમિ પ્રત્યેના આદરનું પ્રતીક છે.
મોરબીના રહેવાસી, સ્વયંસેવક અને જાણીતા સિક્કા સંગ્રાહક એડવોકેટ મિતેષ દવેએ આ વિશિષ્ટ સિક્કો પોતાના અંગત સંગ્રહ માટે મેળવ્યો છે. સિક્કો ગુજરાતમાં કોઈ વ્યક્તિગત સંગ્રાહક પાસે સૌપ્રથમ પહોંચ્યો છે.
એડવોકેટ મિતેષ દવેએ સમજાવ્યું કે, “આ સિક્કો માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ એક અમૂલ્ય ખજાનો છે. ભારતના ચલણી સિક્કાઓના ઇતિહાસમાં આ પ્રકારનો આ પહેલો સિક્કો છે, જે રાષ્ટ્રીય ભાવના અને માતૃભૂમિ પ્રત્યે આદર બંનેને પ્રતિબિંબિત કરે છે. આ સિક્કો બહાર પડતાની સાથે જ દેશભરના ચલણ પ્રેમીઓમાં તેને મેળવવા માટે ભારે ધસારો થઈ ગયો હતો.”
નાણા મંત્રાલયના ટંકશાળમાં ખાસ બનાવવામાં આવેલો આ સિક્કો મર્યાદિત સંખ્યામાં જારી કરવામાં આવ્યો છે, અને તેની કેટલીક ખાસિયતો નીચે મુજબ છે. આ સ્મારક સિક્કો 40 ગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે. સિક્કાની એક બાજુ પર અશોકનું પ્રતીક અંકિત છે. અને બીજી બાજુ પર ભારત માતાનું ચિત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતીકની ભાવનાત્મક છબીની અદ્ભુત ઝલક રજૂ કરવામાં આવી છે.
મિતેષ દવેના મતે, 1964 પછી જારી કરાયેલા તમામ સિક્કાઓમાં આ સિક્કાનું પેકેજિંગ સૌથી અનોખું છે. આ સિક્કાને પુસ્તકના રૂપમાં રજૂ કરવામાં આવ્યો છે, જે આ પ્રકારના સ્મારક સિક્કાના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે. એડવોકેટ મિતેષ દવેએ આ ઐતિહાસિક સિક્કાની સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ પર જારી કરાયેલી વિશેષ ટપાલ ટિકિટ પણ પોતાના સંગ્રહમાં ઉમેરીને દેશભક્તિની પોતાની ભાવના વ્યક્ત કરી છે.













