રોડનું ટેન્ડર લાઈવ વહીવટી પ્રક્રિયા બાદ 1 જાન્યુઆરીથી રોડનું કામ શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા 2 કિમિ જેટલા લાંબા ભડિયાદ રોડ ઉપર આજે મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી સાંજ સુધી ચાલવાની છે. બીજી તરફ આ રોડને પહોળો કરી આગામી 1 જાન્યુઆરીથી રોડનું કામ શરૂ થાય તેવા પ્રયત્નો ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું છે.
મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત આજે ભડિયાદ રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર પ્રથમવાર ડીમોલેશન થઈ રહ્યું છે. ગત બુધવારે રજા હોવાથી મહાપાલિકાની ઝુંબેશ બંધ રહી હતી. તે પહેલાના બુધવારે રાજપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજની ઝુંબેશમાં ભડિયાદ રોડ ઉપર બેથી ત્રણ દિવસ પહેલા દબાણકારોને જાણ કરવામાં આવી હતી. જેને પગલે મોટાભાગના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના મુખ્ય રસ્તાઓ ઉપર દબાણ દૂર કરવાની મહાપાલિકા દ્વારા કાર્યવાહી ચાલુ છે. ભડિયાદ રોડ 2.2 કિમીનો રોડ છે. આજે અહીં સાંજ સુધી કાર્યવાહી ચાલશે. આ રોડનું ટેન્ડર લાઈવ છે. 26 નવેમ્બરે ખુલવાનું છે. અહીં 7.5 મીટરનો રોડ થશે. ડ્રેનેજની સુવિધા મળે તેના માટે પ્રયત્નો છે. ટેન્ડર ખુલ્યા બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી 1 જાન્યુઆરી 2026 આસપાસ કામ શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.












