ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક રાત્રે રોડ પર સાઈડલાઈટ ચાલુ કર્યા વિના જ ટ્રક પાર્ક કરી દેતા રીક્ષા ઘુસી ગઈ
ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર મિતાણા ગામના ઓવરબ્રિજ પર સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખવામાં આવતા બે દિવસ પૂર્વે ઓટો રીક્ષા ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં મોરબી રહેતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મોરબીથી ઓટો રીક્ષા નંબર જીજે – 36 – ડબ્લ્યુ – 9635 લઈ છતર કારીગરોની લેવા જતા પ્રતાપભાઈ દેલવાણિયા રહે.લાયન્સનગર, નવલખી રોડ મોરબી અને તેમના ભત્રીજા નિલેશ દેલવાણિયાની ઓટો રીક્ષા મિતાણા ઓવરબ્રિજ પર બંધ પડેલા ટ્રક નંબર જીજે – 32 – વી – 8689ના ઠાઠાના ભાગમાં ઘુસી જતા આ અકસ્માતમાં પ્રતાપભાઈને ગંભીર ઇજાઓ થતા સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે નિલેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ રોડ ઉપર સાઈડ સિગ્નલ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.








