મોરબીના પંચાસર રોડ ઉપર આજે પાટીદાર યુવા સેવા સંઘનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. જેમાં પાટીદાર આગેવાન અલ્પેશભાઈ કથીરિયા, મનોજભાઈ પનારા, ગંગારામભાઈ ઘમાસણા, એ.કે. પટેલ, નંદલાલભાઈ વિડજા, મનુભાઈ કૈલા, નરભેરમભાઈ શિરવી, મણીભાઈ ગડારા, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયા અને અજય મારવાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ મનોજભાઈ પનારાએ જણાવ્યું કે આ સમાજમાં ડર ખૂબ છે. જેને આપણે આબરૂનું નામ આપીએ છીએ. આ ડર દૂર કરવો પડશે. આવતા દિવસોના સોસાયટીના આગેવાનોએ દીકરા-દીકરીઓને પોલીસ સ્ટેશન, જેલ અને કોર્ટની મુલાકાતના કાર્યક્રમ રાખવા પડશે. 100 લુખ્ખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવું જોઈએ. આઇપીએલ ચાલુ થયો અને આગલા દિવસે જ મે ઘુંટુમાં સભા યોજી હતી. ત્યારે કીધું હતું કે બધા આઇપીએલ રમજો, હારો તો દેતા નહિ, જીતો તો લઈ આવજો. આનો ઉદ્દેશ રમાડવા વાળા દૂર રહે તેવો હતો. તમે પાછા વળી શકો એમ નથી. એટલે બીજો રસ્તો અપનાવવો પડે એમ છે. મારી પાસે જેટલા આવ્યા એને મેં એક રૂપિયો આપવા દીધો નથી. એકતા અને સંગઠન છે એટલે આ શક્ય બને છે. નવી પેઢીને વ્યસન મુક્ત કરવી છે. દવા પીવાના બનાવો વધી રહ્યા છે. સમસ્યાઓ આવવાની જ છે. પણ અમારી ફરજ છે તમને મદદ કરવી. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય.
અલ્પેશભાઈ કથીરિયાએ જણાવ્યું કે આર્થિક રીતે સધ્ધર એ સમાજને માપવાનો માપદંડ નથી. આર્થિક સધ્ધરતા આપણી મહેનતના કારણે આવી છે. આપણાં વડવાઓએ અનેક મુશ્કેલી વેઠી અને મહેનત કરીને સમાજને આટલો સધ્ધર કર્યો છે. મોરબી શહેરમાં 80 ટકા આપણી વસ્તી હોવા છતાં અહીં ગુંડાગીરી છે, લૂખાગીરી છે, વ્યાજના વિષચક્રોમાં આપણા યુવાનોને ફસાવે છે. આ મંચ ઉભું થયું તે આના માટે થયું. આપણી સધ્ધરતા ઘણાથી જોવાતી નથી. કોઈને પૈસાની જરૂર પડે છે. જેને ખબર હોય આ ખાતેદાર છે એટલે પડખે આવી જાય છે. કોઈ પણ ક્રાંતિ હોય કે સારું પગલું હોય તેના પાયાના પથ્થરમાં પાટીદાર સમાજ હોય છે. વ્યસનથી દૂર થવું પડશે. આપણે સમાજ વિરોધી નથી. સતા વિરોધી નથી. પણ આપણી પેઢી ટકાવવાની છે. સમાજના યુવાનો આગળ વધે તમામ સારી બાબતોમાં હિસ્સેદારી વધે તેવા પ્રયાસ કરવાના છે. જેમ પહેલા ખેતી આવડતી હવે ધંધો આવડે છે. લુખ્ખાઓની તાકાતને તોડવા સમાજે શૂરવીર પેદા કરવા પડશે. આ સુરવીરો આપણી વચ્ચે જ છે. બસ આપણે મદદ કરવાની છે. પ્રોત્સાહન આપવું પડશે. આપણે કોઈ પાસેથી પડાવી લેવાનું નથી. પણ આપણી જમીન ઉપર કોઈ આંગળી ચીંધી ન શકે તેવું કરવાનું છે. આ કામ સંગઠન કરશે. ચાની ટપરી કે ચોકમાં જ્યાં ઓનલાઈન જુગાર અને સટ્ટાની પ્રવૃત્તિઓ થાય છે, ત્યાં આપણે મળીને જનતા રેડ પાડવી જોઈએ.
નંદલાલભાઈ વિડજાએ જણાવ્યું કે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ ચાલે છે. જે ઘણા સમયથી નિષ્ક્રિય હતું. તે હવે મનોજ પનારા સહિતના આગેવાનો જોડાઈ અને વધુને વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળે તેવું કાર્ય કરશે. સમાજ જેમ જેમ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ વ્યસનનું દુષણ પણ વધતું જાય છે તેને અંકુશ લાવવાનું કામ કરવું પડશે.
મનુભાઈ કૈલાએ જણાવ્યું કે આ સંમેલન નહીં પણ વિચારોનું વાવેતર છે. આવા સંમેલનથી નવી ઉર્જા આવશે અને સામાજ માટે નવા કાર્યો કરવાની પ્રેરણા મળશે. મોરબીનો સમાજ હંમેશા નવું કરવા માટે ઉત્સુક હોય છે આજે શિક્ષણ માટે નવો વિચાર સમાજમાં નવી ક્રાંતિ લાવશે. જે સમાજ પુર્વજોને ભૂલી જાય છે તે આગળ વધી શકતો નથી. સમાજની પ્રગતિમાં હંમેશા પૂર્વજોની મહેનત અને એના વિચારો હોય છે. આવા સંમેલનથી સમાજમાં નવુ ચિંતન, મનન અને મંથન થવાનું છે.













