મોરબી શહેરમાં પાવનપાર્કમા રહેતો યુવાન ઉછીના પૈસા પરત લેવા માટે લાલપર ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતા પોતાના પરિચિત સાથે જતા કારખાનેદારે અન્ય વ્યક્તિ સાથે અગાઉ ઝઘડો થયો હોય તેનો ખાર રાખી યુવાનને માર મારતા કારખાનેદાર તેમજ અજાણ્યા ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામની સીમમાં મિત્રને આપેલ ઉછીના નાણાં પરત લેવા મિત્ર વિજયભાઈ સાથે ગયેલા ફરિયાદી ગૌતમકુમાર શૈલેન્દ્રભાઈ ઝા ઉ.38 રહે.પાવન પાર્ક મોરબી વાળા પરત આવતા હતા ત્યારે કેલ્વિન એન્ટરપ્રાઇઝ પાસે આરોપી હિતેશભાઇ પટેલ રહે.કુમાર ઇન્ડસ્ટ્રીઝ વાળા મળી જતા અહીં કેમ આવ્યો ? હવે પછી આ બાજુ દેખાતો નહિ કહી હોકી વડે માર મારી બેભાન કરી દઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.વધુમાં ફરિયાદી ગૌતમકુમારના મિત્ર વિજયભાઈને આરોપી હિતેશભાઈ પટેલ સાથે અગાઉ ઝઘડો થયો હોય તેનો ખાર રાખી પોતાના પર હુમલો કર્યાની ફરિયાદ ગૌતમભાઈએ નોંધાવતા પોલીસે હિતેશ પટેલ તેમજ અજાણ્યા ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.








