અંદાજે 1000 નંદીઓના મોત થતા તેને દાટી દેવાયા હોવાનો આક્ષેપ : આવનારા દિવસોમાં કાર્યવાહી નહિ થાય તો લોકોને સાથે રાખી જમીનમાંથી નંદીઓના અવશેષો બહાર કાઢવાની ચીમકી
મોરબી : મોરબીના નંદીઘરમાં ભ્રષ્ટાચારનો ભોગ બની મોતને ભેટેલા નંદીઓના આત્મકલ્યાણ અર્થે શહેર કોંગ્રેસ પ્રમુખના જન્મદિવસ નિમિતે હવન કરવામાં આવ્યો હતો. આ વેળાએ કોંગ્રેસ દ્વારા અહીં 1000 જેટલા નંદીઓના મોત થયા અને તેને દાટી દેવાયાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથોસાથ આ નંદીઓના અવશેષોને બહાર કાઢવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મોરબીમાં નંદીઓના આશ્રય માટે નંદી ઘર બનાવવામાં આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું માત્ર કોંગ્રેસ પક્ષ જ નહીં પણ ધારાસભ્ય અને હાલના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ કહ્યું છે. તેઓએ પણ એક સમયે કહ્યું હતું કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ. દોઢ વર્ષથી કોંગ્રેસ લડત લડતી આવે છે છતાં કોઈ ન્યાય મળ્યો નથી. જે નંદીઓ અહીં મૃત્યુ પામ્યા છે તેને દાટી દેવામાં આવ્યા છે. અંદાજે 1000 નંદીઓને અહીં દાટવામાં આવ્યા છે. તેમના આત્મકલ્યાણ માટે અને આત્માને શાંતિ માટે કોંગ્રેસે આજે હવન કર્યો છે.અને આરટીઆઈ કરીને માહિતી પણ માંગી છે અહીં પાછળ જે ઓફિસો છે તેનો ખર્ચ મામુલી એવો 2 લાખ થાય પણ અહીં ખર્ચ રૂ.40 લાખ બતાવવામાં આવ્યો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ જ્યારે ધારાસભ્ય ન હતા. ત્યારે એવું કહેતા હતા કે હું જવાબદાર 52 લોકો સામે કાર્યવાહી કરાવીશ. પણ ધારાસભ્યએ આજ સુધી આ મામલે કઈ કર્યું નથી. ધારાસભ્યમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર કરનાર સામે કાર્યવાહી કરી બતાવે. હજુ પણ જો અહીં ખોદવામાં આવે તો અસંખ્ય નંદીઓના અવશેષો પણ મળશે. ભાજપ તેના કાર્યકરોને બચાવવા છાવરી રહી છે. આવનારા દિવસોમાં જો મહાપાલિકા કઈ કાર્યવાહી નહિ કરે તો અમે લોકોને સાથે રાખી જેસીબી લઈ જમીન ખોદીને નંદીના અવશેષો બહાર કાઢીશું.











