મોરબી : મોરબી શહેર – જિલ્લામાં દેશી – વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે ધોસ વધારતા દારૂના ધંધાર્થીઓ નિત નવા નુસખા અપનાવી દારૂ મંગાવી રહયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સીટી બી ડિવિઝન પોલીસે આવા જ એક નવતર બનાવમાં ટ્રાન્સપોર્ટ મારફતે વિદેશી દારૂ મંગાવવાનો કારસો નિષ્ફળ બનાવી 60 બોટલ દારૂ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી કબ્જે કરી બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી હતી કે, ભારત રોડ વેઝ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં બહારથી વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો છે અને હાલમાં દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ ઓફિસથી લઈ જવાની પેરવી ચાલુ છે. જે બાતમીને આધારે પોલીસે ટીકે હોટલ નજીક આવેલ ભારત ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડતા ઓફિસના ગોડાઉનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પાંચ પેટી એટલે કે, 60 બોટલ કિંમત રૂપિયા 1,23,400 મળી આવતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો લેવા આવનાર શખ્સની પૂછતાછ કરતા તેને કબુલ્યું હતું કે, પાંચ બોક્સ પહોંચાડવાના 50 રૂપિયા લેખે 250 રૂપિયા મજૂરી આપવાનું ફોનમાં જણાવવામાં આવ્યું હતું. જે કબુલાતના આધારે તેમજ ટ્રાન્સપોર્ટની બીલટીને આધારે પોલીસે દારૂ મંગાવનાર રામદેવસિંહ રહે.રાયસંગપર તા.મૂળી જી.સુરેન્દ્રનગર તેમજ વિદેશી દારૂ મોકલનાર આરોપીના મોબાઈલ નંબરના આધારે બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી હતી.










